મુંબઈ,
રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ ફરી ચર્ચામાં આવી છે. આ વખતે ફિલ્મના પોસ્ટરને લઈને એક યુરોપિયન આર્ટિસ્ટે ફિલ્મના મેકર્સ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. ફ્લોરા બોરસી નામની યુરોપિયન આર્ટિસ્ટે ફેસબુક પર તેના ઓરિજિનલ ફોટોગ્રાફ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ના પોસ્ટરનો કોલાજ શેર કર્યો હતો. તેમાં કંગના રનૌતનો ફોટો હતો. બન્ને ફોટો એકદમ આબેહૂબ છે.
ફ્લોરા બોરસીએ લખ્યું હતું કે, ‘કોઈ સમાનતા? આ ફેમસ બોલિવૂડ મૂવી જજમેન્ટલ હૈ ક્યાનું પોસ્ટર છે. તેઓએ આ માટે મારી કોઈ પરવાનગી નથી લીધી કે નથી તેઓ મારે પાસે આવ્યા. આ મોટી કંપનીઓ માટે શરમજનક વાત છે કે તેઓ ફ્રીલાન્સ આર્ટિસ્ટના કામની ઉઠાંતરી કરે છે.’
આટલું જ નહીં ફ્લોરાએ ટિ્વટર પર પણ ફિલ્મના મેકર્સને ટેગ કરી તેમની ખબર લીધી કે, ‘ઓહ હા, આ ફોટો મને કોઈકની યાદ અપાવે છે.. અચ્છા હા. આ એકદમ મારા કામ જેવું દેખાય છે. ફ્લોરાની આ પોસ્ટ પર લોકો તેમનો ગુસ્સો કાઢી રહ્યા હતા. લોકો બોલિવૂડને કોપીવૂડ કહી રહ્યા હતા. તેને કાનૂની પગલાં લેવા માટે જણાવી રહ્યા હતા. પરંતુ, ફ્લોરાએ કહ્યું કે, કોઈ દેશ પ્રત્યે નફરત જતાવી એ યોગ્ય નથી.