જગન્નાથ મંદિર ટ્રસ્ટે રથયાત્રાની તૈયારીઓ પર પૂર્ણવિરામ…
અમદાવાદ : જગન્નાથ મંદિર ટ્રસ્ટે રથયાત્રાની તૈયારીઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. નામ ન આપવાની શરતે જગન્નાથ મંદિરના એક ટ્રસ્ટીએ કહ્યું હતું કે, રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાની વિચારણા છે. યોજના મુજબ ભગવાનના રથને મંદિરમાં સાત વાર પ્રદક્ષિણા કરાવવામાં આવશે. ત્રણેય રથને વારાફરતી મંદિર પરિસરમાં લાવી પરિક્રમા કરાવાશે. જોકે મંગળા આરતી, પહિંદ સહિતની વિધિ કરવામાં આવશે. હાઈકોર્ટે મનાઈ હુમક ફરમાવતા ૧૪૩ વર્ષમાં પહેલી વાર ભગવાનની રથયાત્રા નગરચર્યા કરશે નહીં અને ૨૨ કિલોમીટરમાં નીકળતી રથયાત્રા માત્ર ૨૨૦૦ ચોરસમીટરમાં પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં મંદિર ટ્રસ્ટ દ્વારા બે હાથીને હાજર રાખવામાં આવશે.
નેત્રોત્સવ વિધિમાં હાથીને હાજર રાખવા વિચારણા છે. ઈકોર્ટના નિર્ણય પહેલા ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૨૦ ખલાસી જોડાવાના હતા, પરંતુ શનિવારે મોડી રાત્રે મિટિંગ બાદ નક્કી કરવામાં આવ્યું છે કે, જો પ્રાંગણમાં રથયાત્રા યોજાય તો માત્ર ૩૦ ખલાસી રથને ખેંચશે. પહેલા જેમ નક્કી કરવામાં આવ્યું હતું કે, કોરોનાને લીધે દરેક ખલાસીઓની સ્વાસ્થ્ય ચેકિંગ કરવામાં આવશે તેવી જ રીતે આ ૩૦ લોકોનું પણ સ્વાસ્થ્ય ચેકિંગ એક દિવસ પહેલા કરવામાં આવશે.