આ રેલીમાં રાજ્યોના મુખ્યમંત્રી, કેબિનેટ પ્રધાનો હાજર રહેશે…
ન્યુ દિલ્હી : પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે. ગુપ્તચર એજન્સી પાસેથી મળેલી માહિતી પ્રમાણે ૨૨મી ડિસેમ્બરને રામલીલા મેદાનમાં ભાજપની મહારેલી સમયે આતંકવાદી પ્રધાનમંત્રીને નિશાન બનાવી શકે છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં રહેલા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ અને દિલ્હી પોલીસને આ અંગે માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓના મતે તેમને ઈનપુટ મળ્યા છે કે જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદી મોકલ્યા છે અને તે રામલીલા મેદાનમાં હજારો લોકો વચ્ચે પ્રધાનમંત્રી પર હુમલો કરી શકે છે. આ રેલીમાં એનડીએ સરકાર સાથે જોડાયેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ પ્રધાનો પણ સામેલ થશે.
ગુપ્તચર એજન્સીઓએ પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ગાઇડલાઈન્સ જારી કરી છે. જેમા કહેવામાં આવ્યું છે કે ૧૨મી ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવેલો નાગરિકતા સુધારા કાયદો, ૯મી નવેમ્બરના રોજ રામ જન્મભૂમિ ચુકાદો અને ૫મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ-૩૭૦ હટાવ્યા બાદ પ્રધાનમંત્રી પર જોખમ વધી ગયું છે. આ ઉપરાંત પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કરવામાં આવ્યા બાદ મોદી પર આતંકવાદીઓનું જોખમ વધી ગયું છે. આ તમામ બાબતને જોતા તેમના પર હુમલાની શક્યતા નકારી શકાતી નથી.