આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે મુંબઈ પોલીસે અર્નબની કરી ધરપકડ…
મુંબઇ : મુંબઈ પોલીસે ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે અર્નબની તેમના ઘરેથી ધરપકડ કરી હોવાની માહિતી મળી છે. આ પહેલા અર્નબે પોલીસ પર તેમની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો.
હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે ૫૩ વર્ષના ઇન્ટીરિયર ડિઝાઇનરને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ન્યૂઝ ચેનલ રિપબ્લિકના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે અર્નબ ગોસ્વામીની તેમના ઘરેથી ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ અર્નબે પોલીસ પર તેમની સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. માહિતી મુજબ રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઇવ ફુટેજ પણ દેખાડ્યા જેમાં પોલીસ અને અર્નબ વચ્ચે ઝપાઝપી થતા દેખાઈ રહી છે.
મુંબઈ પોલીસ પર અર્નબે ગુંડાગીરી કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્નબ ગોસ્વામીને તેમના પરિવાર સાથે વાત કરવાની પણ તક ન આપી. ઉપરાંત, દવા આપવાથી પણ રોકવામાં આવ્યા. ત્યાર બાદ અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસ પોતાની સાથે વાનમાં લઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ગોસ્વામીએ મુંબઈ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો કે પોલીસે તેમના સાસુ-સસરા, દીકરા અને પત્ની સાથે પણ મારઝૂડ કરી છે.
કટોકટીના કાળા દિવસો જેવી સ્થિતિઃ જાવડેકર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અર્નબની ધરપકડની ટીકા કરી છે અને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન જાવડેકરે ટ્વીટ કરી કહ્યું કે,‘અમે મહારાષ્ટ્રમાં પ્રેસની આઝાદી પર થયેલ આ હુમલાની ટીકા કરીએ છીએ. આ પ્રેસ સાથે યોગ્ય વર્તન નથી. આ કટોકટીના એવા દિવસોની યાદ અપાવે છે જ્યારે મીડિયા સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ અને તેના સાથીદારોએ ફરી એક વખત લોકતંત્રને શર્મસાર કર્યુંઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિતશાહે એક ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ ફરી એક વખત લોકતંત્રને શર્મસાર કરી દીધું છે. રિપબ્લિક ટીવી અને અર્બન ગોસ્વામી વિરુદ્ધ રાજ્યની શક્તિઓનો ઉપયોગ વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકતંત્રના ચોથા સ્તંભ પર પ્રહાર છે. આનાથી અમને ઈન્દિરા ગાંધીના સમયમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના દિવસોની યાદ આવી ગઈ છે.
સુપ્રીમ કોર્ટ ૬ નવેમ્બરે કરશે સુનાવણી
માહિતી મુજબ અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષાધિકાર નોટિસ સામે કાર્યવાહી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે કહ્યું હતું કે આ માત્ર કારણ જણાવો નોટિસ છે અને અત્યાર સુધી વિશેષાધિકાર પ્રસ્તાવ થયો નથી. ત્યાર બાદ કોર્ટે અર્નબ ગોસ્વામીને સોગંદનામું દાખલ કરવા કહ્યું. હવે કોર્ટ આ મામલે ૬ નવેમ્બરે સુનાવણી કરશે.