વડોદરા જિલ્લાના ભાયલી, સેવાસી, બીલ, વેમાલી, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ કરાતાં પાલિકાના હદ વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે…
વડોદરા : જિલ્લાના ૭ ગામ સહિતનો વિસ્તાર પાલિકાની હદમાં આવતાં હવે વહીવટી કામગીરી કરવા માટે તેમજ ચૂંટણી વોર્ડ માટે પુનઃ રચનાનની કવાયત કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ભાયલી, સેવાસી, બીલ, વેમાલી, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ કરાતાં પાલિકાના હદ વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે. જેની અગાઉની વસ્તી ૧.૨૪ લાખ હતી અને હાલ તેનો અંદાજ ૨ લાખનો મુકાયો છે. આ સિવાય ૫૦ ચોરસ કિમી જેટલો વિસ્તાર છે. વડોદરાનો કુલ વિસ્તાર વધીને ૨૨૦ ચોરસ કિલોમીટર થયો છે. વડોદરાનો વિસ્તાર અને વસ્તી વધતાં પાલિકાની વહીવટી સરળતા માટે વહીવટી વોર્ડની સંખ્યા વધશે. હાલ પાલિકાના ૧૨ વહીવટી વોર્ડ છે. એટલું જ નહીં એક ઝોન પણ વધે તેવી શક્યતા છે. હાલ ચાર ઝોન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકામાં બીલ ગામ સહિત અન્ય સાત ગામોનો સમાવેશ કરતાં ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે. જેમાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે, (૧) ૧૮.૬.૨૦૨૦ના જાહેરનામામાં જણાવેલ બંધારણની કલમ ૨૪૩ (ક્યુ)(ર)નું સંપુર્ણ ઉલ્લંઘન કરવામાં આવેલ છે, અને ખોટો નિર્ણય લીધેલ છે, જેનો વિરોધ કરવામાં આવે છે. (ર) આ નિર્ણયને જોતા શું ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કચડી નાખવાનો પ્રયત્ન કરી રહી છે ? (૩) શું વડોદરા મહાનગર પાલિકા ગ્રામ પંચાયતોના ચાલતા વેરા અને અન્ય વેરાના દર મુજબ જ અમારી પ્રાથમિક સુવિધાઓ આપી શકશે ? (૪) અમારી પાણી, સ્ટ્રીટલાઈટ, સાફ સફાઈ, ગટર સાફ સફાઈ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ કરતા જ તુરંત યોગ્ય નિરાકરણ થઈ જાય છે. તેવું કાર્ય વડોદરા મહાનગર પાલિકા કરી શકશે ? (પ) શું વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં અપાતી પ્રાથમિક સુવિધાઓને યોગ્ય રીતે આપે છે કે નહી તેનો અભ્યાસ કરી ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લીધો છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકાની આવક વધારવાનો નિર્ણય કરેલ છે. (૬) ગામના લોકોની આવકના સાધનો રોજગારીના સાધનો તથા મળતી પ્રાથમિક સુવિધાઓને અને જરૂરીયાતોનો અભ્યાસ કરતા ગ્રામજનોને સરકારનો આ નિર્ણય અયોગ્ય લાગ્યો હોય ગ્રામજનો આનો વિરોધ કરીએ છે. (૭) બીલ ગામના ગ્રામજનો દ્વારા સર્વ સમંતીથી નિર્ણય કરવામાં આવે છે. કે બીલ ગામે આવેલ બીલ-અટલાદરા રોડ તથા બીલ-કલાલી રોડ પર આવેલ સોસાયટી વિસ્તારના લોકો અને તે વિસ્તારનો સમાવેશ ત્યાંની પ્રજાની મરજી મુજબ કરવામાં આવે, તો અમારો કોઈ પણ વાંધા વિરોધ નથી. પરંતુ ગ્રામ તળ, આવાસ અને સુચિત ગામતળનો સમાવેશ સામે સંપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો છે.
- Ravi Patel, Vadodara