એનડીએ પાસે 16 રાજ્યો જ્યારે 12 રાજ્યોમાં હજી પણ ભાજપ વિરોધી પક્ષોની સત્તા…
એજન્સી, નવી દિલ્હી : ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર છેલ્લા બે વર્ષમાં સાત રાજ્યોમાંથી પોતાની સત્તા ગુમાવી ચૂકી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં ફક્ત ત્રણ બેઠકો પર જ વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સારું પ્રદર્શન કરતા બે આંકડામાં બેઠકો મેળવી છે. દિલ્હીના પ્રદેશ ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર વિજય મેળવવાના અનુમાન સાથે સત્તામાં આવવાની આશા વ્યક્ત કરી હતી. જોકે, તેમનું આ અનુમાન હવે ખોટું સાબિત થઈ રહ્યું છે.
આ સાથે જ ભાજપ માટે દેશના રાજકીય નક્શામાં પણ કોઈ ફેરફાર નહીં જોવા મળે. દિલ્હી સહિતના 12 રાજ્યોમાં હજી પણ ભાજપ વિરોધી પક્ષોની સરકાર સત્તામાં છે. એનડીએની પાસે 16 રાજ્યોમાં જ પોતાની સરકાર છે. આ રાજ્યોમાં 42 ટકા વસતી રહે છે. કોંગ્રેસ પોતાના આત્મબળે અથવા તો ગઠબંધનની મદદથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડુચેરીમાં સત્તા બનાવવામાં સફળ રહી છે.
ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ઝારખંડમાં સરકાર રચ્યા બાદ કોંગ્રેસની સરકાર સાત રાજ્યોમાં છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત વિજયી થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કેરળમાં માકપાના નેતૃત્વવાળી ગઠબંધનની સરકાર, આંધ્રપ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ, ઓડિશામાં બીજેડી અને તેલંગાણામાં ટીઆરએસ પાર્ટી સત્તામાં છે. તમિલનાડુમાં જ્યાં ભાજપે અન્નાદ્રમુકની સાથે લોકસભની ચૂંટણી જીતી હતી પરંતુ રાજ્યમાં તેમનો એક પણ ધારાસભ્ય નથી. તેથી તેઓ સત્તાના ભાગીદાર નથી બની શક્યા.
ડિસેમ્બર 2017માં એનડીએની સ્થિતિ સારી હતી. ભાજપા અને તેમના સહયોગી પક્ષોની પાસે 19 રાજ્યો હતા. એક વર્ષ બાદ ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાંથી પોતાની સરકાર ગુમાવી દીધી હતી. ચોથુ રાજ્ય આંધ્ર પ્રદેશ છે, જ્યાં ભાજપા-ટીડીપી ગઠબંધનની સરકાર હતી. માર્ચ 2018માં ટીડીપીએ ભાજપ સાથેનું પોતાનું ગઠબંધન તોડી દીધું હતું. 2019માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ વાઈએસઆર કોંગ્રેસની સરકાર બનાવી છે. પાંચમું રાજ્ય માહારાષ્ટ્ર છે, જ્યાં ચૂંટણી બાદ શિવસેનાએ એનડીએનો સાથ છોડી દીધો હતો અને ત્યારબાદ તેમણે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવીને સરકાર રચી હતી.