મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ કોરોના વાયરસને કારણે ઘણા સમયથી ફિલ્મોથી દૂર થઈ ગઈ હોય તેમ લાગતું હતું. વચ્ચે તે ડ્રગ્સ વિવાદમાં પણ સપડાઈ હતી અને એનસીબીએ તેની પૂછપરછ પણ કરી હતી. જોકે તે ફરીથી વ્યસ્ત બની ગઈ છે. તેણે શાહરુખ ખાન સાથે તેની નવી ફિલ્મ પઠાણનું શૂટિંગ શરૂ કરી દીધું હોવાના સંકેત આપી દીધા છે. દિપીકાએ ઇન્સ્ટાગ્રામ પર એવો સંકેત આપ્યો હતો તેણે એક નવી શરૂઆત કરી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પર આવો સંકેત આપ્યા બાદ તેના ફેન્સની આતુરતા વધી ગઈ છે.
તેઓ આ અંગે વધુ વિગતો જાણવા માટે ઉત્સુક બની ગયા છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે શુભ આરંભ. આ પોસ્ટ જોઇને તેના ફેન્સે રિએક્શન આપ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે શાહરુખ અને દિપીકાને ફિલ્મી પડદા પર એક સાથે જોવાની હવે રાહ જોઈ શકાતી નથી. અન્ય એક યુઝરે લખ્યું હતું કે નવી ફિલ્મ માટે ઓલ ધ બેસ્ટ. લગભગ આઠ મહિના બાદ દિપીકા ફરીથી શૂટિંગ શરૂ કરી રહી છે.
લોકડાઉનની સાથે જ તેના શૂટિંગ પર પણ બ્રેક વાગી ગઈ હતી. જોકે આ સમયમાં તે સોશિયલ મીડિયા મારફતે તેના ફેન્સ સાથે જોડાયેલી રહી હતી. સુશાંત રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં ડ્રગ્સ અંગે થયેલા આક્ષેપોમાં પણ તે સંડોવાઈ હતી અને એનસીબીએ તેની ચારેક કલાક સુધી પૂછપરછ કરી હતી. દિપીકાએ થોડો સમય સકુન બત્રાની આગામી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. પઠાણમાં શાહરુખ લીડ રોલમાં છે તો જ્હોન અબ્રાહમ વિલનના રોલમાં છે.