ન્યુ દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન તેંદલુકરને ક્રિકેટનો ગૉડ કહેવામાં આવે છે. કેમકે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલી બધી ઉપલબ્ધિઓ હાંસલ કરી દીધી છે જેને નજીકના ભવિષ્યમાં તુટતા જોવી શક્ય નથી. આમાં તેનો એક રેકોર્ડ ૧૦૦ સદીનો પણ છે. સચિને પોતાની ક્રિકેટ કેરિયરમાં ૧૦૦ સદી ફટકારી છે. જેની આજુબાજુ હાલ કોઇ ખેલાડી નથી દેખાતો. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ માને છે કે જો સચિનની ૧૦૦ સદીનો રેકોર્ડ કોઇ તોડી શકે તો તે વિરાટ કોહલી છે. સચિન તેંદુલકરે વર્ષ ૨૦૧૨માં એશિયા કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની ૧૦૦મી સદી ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી.
ખાસ વાત છે કે હાલ વિરાટ કોહલી પોતાના નામ ૭૦ સદી નોંધાવી ચૂક્યો છે. ૩૧ વર્ષીય ક્રિકેટર અને ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના ગુરુ સચિન તેંદુલકર અને ઓસ્ટ્રેલિયન રિકી પોન્ટિંગ બાદ સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ઇરફાન પઠાણ આ મામલે કહ્યું કે વિરાટની ફિટનેસ જબરદસ્ત છે, અને તે જ આ રેકોર્ડને તોડી શકવામાં સક્ષમ છે.
ઇરફાનને કહ્યું કે, ૩૧ વર્ષીય કોહલીએ બહુ નાની ઉંમરે ઘણુબધુ કરી લીધુ છે. મને આશા છે કે તે ૧૦૦ સદીના સચિનના રેકોર્ડને તોડશે, અને તોડશે તો તે ભારતીય હશે. વિરાટની પાસે તે કાબિલિયત અને ફિટનેસ છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ૭૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તેમાં વનડેમાં ૪૩ અને ટેસ્ટમાં ૨૭ સદીઓ સામેલ છે. સચિને ટેસ્ટમાં ૫૧ અને વનડેમાં ૪૯ સદી બનાવી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી. હાલ તે આઇપીએલ માટે દુબઇમાં છે.