જે પણ લાભ મળશે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરાશે…
સિડની : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સંપૂર્ણપણે ગુલાબી રંગમાં રંગાયુ હતુ. નવા વર્ષ પર સિડનીમાં દર વર્ષે પિંક ટેસ્ટ રમવામાં આવે છે. ૨૦૦૯થી સિડનીમાં રમવામાં આવનાર ટેસ્ટ પિન્ક મેચ કહેવાય છે.
આ મેચનું નામ પિન્ક ટેસ્ટ છે, પરંતુ તે રેડ બોલથી જ રમવામાં આવે છે. પિન્ક બોલનો ઉપયોગ માત્ર ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે. જોકે, પિન્ક ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ગ્લવ્ઝ, બેટ ગ્રીપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોના ગેટઅપ સુધી બધું પિન્ક જ હોય છે.
ખરેખર, પિન્ક ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ‘જેન મેક્ગ્રા ડે’ તરીકે ઓળખાય છે. જેનનું બ્રેસ્ટ કેન્સરથી ૨૦૦૮માં અવસાન થયું હતું. આ પછી બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા પિન્ક ટેસ્ટ કરાવવામાં આવે છે. આ મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે.
આ મેચમાંથી જે પણ લાભ મળે છે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે. ફાઉન્ડેશનની સ્થાપના ગ્લેન અને તેની પત્ની જેન દ્વારા ૨૦૦૫માં કરવામાં આવી હતી, પરંતુ જેનનું ૩ વર્ષ પછી અવસાન થયું. આ જાગૃતિ અભિયાનને ટેકો આપવા માટે ચાહકો ગુલાબી રંગના કપડાં પહેરે છે. મેક્ગ્રા ફાઉન્ડેશન એક ચેરિટી છે જે બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓને મદદ કરે છે.