મેચ ગુવાહાટીમાં સાંજે ૭.૦૦ વાગ્યાથી શરૂ થશે…
કોહલી પાસે સૌથી વધુ ૨૬૩૪ રન બનાવવાની તક, માત્ર ૧ રન દૂર, રોહિતને પાછળ છોડશે…
ગુવાહાટી : ૨૦૨૦નું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને એની સૌપ્રથમ ટી-ટ્વેન્ટી મૅચ આજે ગુવાહાટીમાં ભારત તથા શ્રીલંકા વચ્ચે સાંજે ૭.૦૦ વાગ્યાથી રમાશે. શ્રીલંકાની ટીમ ફક્ત ત્રણ ટી-ટ્વેન્ટી રમવા ભારત આવી રહી છે.
બીજી મૅચ મંગળવાર. ૭ જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી મૅચ શુક્રવાર, ૧૦ જાન્યુઆરીએ પુણેમાં રમાવાની છે. એ શ્રેણીને બાદ કરતા હાલમાં ઑસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે તેમ જ સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ-સિરીઝ ચાલે છે. ૭ જાન્યુઆરીથી વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણી ચાલુ થવાની છે.
તેમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી એક રન બનાવવાની સાથે જ ટી-૨૦માં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બની જશે. તે રોહિત શર્માને પાછળ છોડશે. કોહલીએ ૭૫ મેચમાં ૫૨.૬૬ની એવરેજથી અને રોહિતે ૧૦૪ મેચમાં ૩૨.૧૦ની એવરેજથી ૨૬૩૩ રન બનાવ્યા છે.
શ્રીલંકા સામેની સીરિઝમાં રોહિતને આરામ આપવામાં આવ્યો છે. એવામાં કોહલી પાસે સારી લીડ બનાવવાની તક છે. રોહિત સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. જયારે જસપ્રીત બુમરાહ અને શિખર ધવન વાપસી કરી રહ્યા છે.
રોહિત પહેલા મહિલા ટીમની કપ્તાન હરમનપ્રીત કોરે ૧૦૦ મેચ રમી હતી. તે ૧૦૦ મેચ રમનાર પ્રથમ ભારતીય છે. તેના પછી રોહિતે ૧૦૦ ટી-૨૦ રમવાની સિદ્ધિ મેળવી હતી. મહેન્દ્રસિંહ ધોની ૯૮, સુરેશ રૈના ૭૮ અને વિરાટ કોહલી ૭૫ ટી-૨૦ રમ્યા છે. પુરુષોમાં સૌથી વધુ ૧૧૧ ટી-૨૦ રમવાનો રેકોર્ડ પાકિસ્તાનના શોએબ મલિકના નામે છે. રોહિત ૧૦૦ ટી-૨૦ રમનાર બીજો પુરુષ ખેલાડી છે.