દુબઈ : ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા-ઈંગ્લેન્ડ વચ્ચે ન્યૂ યર ટેસ્ટ મેચ પૂરી થયા બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીના આ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બેટ્સમેનમાં નંબર-૧ છે. પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-૫માંથી ૩ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કબજો કરી લીધો છે, જ્યારે ભારતીય ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન થયું છે.
બુધવારે આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે, જેમાં વિરાટ કોહલી ૯૨૮ રેટિંગ પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે, જ્યારે ૯૧૧ પોઈન્ટની સાથે સ્ટીવ સ્મિથ બીજા સ્થાને છે. તો નંબર ત્રણ પર રહેનાર કેન વિલિયમસન એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. સિડની ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર માર્નસ લાબુશેનને મોટો ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ડેવિડ વોર્નરને પણ આ નવા રેન્કિંગમાં મોટો ફાયદો મળ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમના વિસ્ફોટક ઓપનર વોર્નર ૭માંથી ૫માં સ્થાને આવી ગયો છે, જ્યારે ભારતીય બેટ્સમેન રહાણે અને પૂજારાને રેન્કિંગમાં નુકસાન થયું છે. મહત્વનું છે કે ભારતીય ટીમ અત્યારે કોઈ ટેસ્ટ મેચ રમી રહી નથી. તેથી રેન્કિંગમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ-૧૦માં પહોંચી ગયો છે. તે ૧૦માં સ્થાને છે. આ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.
બોલરોના રેન્કિંગમાં પેટ કમિન્સ પ્રથમ સ્થાને યથાવત છે. બીજા સ્થાને નીલ વેગનર છે. જેસન હોલ્ડરને એક સ્થાનનો ફાયદો થયો અને તે ત્રીજા સ્થાને આવી ગયો છે. જ્યારે કગિસો રબાડા એક સ્થાનના નુકસાન સાથે ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર્ક ટોપ-૫માં પહોંચી ગયો છે. આ સાથે આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર જેમ્સ એન્ડરસને પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોપ-૧૦માં એન્ટ્રી કરી છે. તે ૭માં સ્થાને પહોંચી ગયો છે.