પાંચ મેચની સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી, બીજી ટી-૨૦ ત્રણ નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાશે…
ક્રાઇસ્ટચર્ચ : ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-૨૦માં ક્રાઇસ્ટચર્ચ ખાતે ૭ વિકેટે જીત મેળવી હતી. આ સાથે ઇંગ્લેન્ડે પાંચ ટી-૨૦ સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ક્રાઇસ્ટચર્ચના નાના ગ્રાઉન્ડ પર ૧૫૩ રનના સ્કોર સુધી સીમિત રાખ્યું હતું. જવાબમાં તેમણે ૯ બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા જેમ્સ વિન્સે ૩૮ બોલમાં ૭ ચોક્કા અને ૨ છગ્ગાની મદદથી ૫૯ રન કર્યા હતા. તેને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બીજી ટી-૨૦ ત્રણ નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાશે.
મેચ પછી કિવિઝના કેપ્ટન ટિમ સાઉથીએ કહ્યું કે, અમે બેટ વડે ૨૦ રન ઓછા કર્યા હતા. પિચ ડબલ પેસવાળી હતી (અમુક બોલ ધીમા આવે અને અમુક બોલમાં સ્પીડમાં આવે), જોકે તેમ છતાં તે ફાઇટિંગ સ્કોર હતો. થોડી વધુ સારી બોલિંગ કરી હોત તો અમે સફળતાપૂર્વક સ્કોર ડિફેન્ડ કરી દીધો હોત. કિવિઝ માટે પ્રથમ દાવમાં રોઝ ટેલરે ૪૪, ટિમ સેફર્ટે ૩૨ અને ડેરેલ મિચેલે ૩૦* રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે ક્રિસ જોર્ડને ૨ વિકેટ, જ્યારે સેમ કરન, પેટ્રિક બ્રાઉન અને આદિલ રાશિદે ૧-૧ વિકેટ લીધી હતી.
જવાબમાં ઇંગ્લેન્ડની શરૂઆત સામાન્ય રહી હતી. ડેવિડ મલાન ૧૧ રનના વ્યક્તિગત સ્કોર આઉટ થયો હતો. ત્યારે ઇંગ્લિશ ટીમે ૫.૪ ઓવરમાં ૩૭ રન કર્યા હતા. જોકે તે પછી જોની બેરસ્ટો અને વિન્સે બાજી સંભાળી હતી. બેરસ્ટોએ ૩૫, ઓઇન મોર્ગને ૩૪* અને સેમ બિલિંગ્સે ૧૪* રન કર્યા હતા. કિવિઝ માટે સ્પિનર મિચેલ સેન્ટનરે ૩ વિકેટ લીધી હતી.