ચાર રાજ્યોમાં પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત…
ન્યુ દિલ્હી,
૪ રાજ્યોમાં પૂરનો કેર ચાલુ છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. ૪ રાજ્યોમાં વરસાદના કારણે અત્યાર સુધી ૧૯૪ લોકોના મોત થયા છે. કર્ણાટકમાં પણ પૂરનો કેર ચાલુ છે. મધ્ય પ્રદેશના અનેક જીલ્લાઓ ભીષણ પૂરની ચપેટમાં છે. અહીં ૩૨ લોકોના મોતના અહેવાલ છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરના કારણે એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે રસ્તાઓ પર ગાડીઓ દોડતી હતી ત્યાં આજે નાવડીઓ ચાલે છે. શહેરની દુકાનો, બાજર, મોલ બધુ સેલાબમાં ગુમ થઈ ગયું છે. કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે આઠ પ્રભાવિત જિલ્લાઓમાં ભૂસ્ખલનની ૮૦ ઘટનાઓની સૂચના મળી છે. જેનાથી સહુથી વધુ ક્ષતિ થઈ છે. વાયનાડ જિલ્લાના મેપ્પાદી, મલ્લપુરમ જિલ્લાના કવલપારા પણ સામેલ છે.
કર્ણાટકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરતા સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે પૂરના કારણે ૨૪થી વધુ લોકોના મોત થઈ ગયા છે. પૂરથી ૧૦૨૪ ગામ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય માટે ૨૦ એનડીઆરએફની ટીમો, ૧૦ સેનાની ટીમ, ૫ નેવીની ટીમો અને એસડીઆરએફ ટીમો લાગેલી છે. આ સાથે જ યેદિયુરપ્પાએ કહ્યું કે મૃતકના પરિજનોને ૫ લાખની સહાય આપવામાં આવશે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થિતિ ભયજનક છે. મહારાષ્ટ્રમાં પૂરના કારણે ૨૭ અને ગુજરાતમાં ૨૨ લોકોના મોત થયા છે. પૂરના કારણે મહારાષ્ટ્રના ઘણાં માર્ગો બંધ કરાયા છે.
ભારતીય વાયુસેનાના કર્મીઓએ પૂર પ્રભાવિત જામનગરમાં એક છોકરીનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. આ બાજુ ગુજરાતના મોરબી જિલ્લામાં એનડીઆરએફએ ૪૭ વિદ્યાર્થીઓ અને ૬ શિક્ષકોને રેસ્ક્યુ કર્યાં. કર્ણાટકમાં પૂરના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે. સકલેશપુર અને સુબ્રમણ્યમ સ્ટેશનો વચ્ચે ખંડ પર રેલ પરિવહન લેન્ડસ્લાઈડના કારણે રોકી દેવાઈ છે. કેરળનો એક વીડિયો સામે આવ્યો છે જે પલક્કડ જિલ્લાના આગલીનો છે. અહીં ઉછાળા ભરતી નદીની ઉપરથી સુરક્ષાકર્મીઓએ એક પ્રેગ્નેન્ટ મહિલાનું દોરડાની મદદથી રેસ્ક્યુ કર્યું છે.