અભિનેતાને ૫ કરોડનું દેવું ભરપાઈ ન કરવાના આરોપમાં જેલની સજા થઇ હતી…
મુંબઈ : ત્રણ મહિનાની જેલની સજા પૂરી કરીને બહાર આવેલ કોમેડિયન રાજપાલ યાદવ એક્ટિંગ માટે તૈયાર છે. રાજપાલે તેની અપકમિંગ ફિલ્મ્સ ‘ફૂલી નંબર ૧’, ‘બોલે ચૂડિયાં’, ‘ટાઈમ ટુ ડાન્સ’ માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે સિનેમાના બદલાવને લઈને વાત કરી હતી અને સાથે ફિલ્મો વિશે પણ કહ્યું હતું. રાજપાલને ગયા વર્ષે નવેમ્બરમાં ૫ કરોડનું દેવું ભરપાઈ ન કરવાના આરોપમાં જેલની સજા થઇ હતી.
ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષથી પણ વધુ સમય પસાર કરનાર રાજપાલ યાદવે જણાવ્યું કે પહેલાંનાં સિનેમામાં અને અત્યારના સિનેમામાં ઘણો ફેરફાર છે. અત્યારે પચાસ સુવિધાઓ મળી જાય છે. તેણે કહ્યું કે સારા કન્સેપ્ટની ફિલ્મોમાં કામ કરીને હું ખુદને ઘણો ભાગ્યશાળી માનું છું. આટલું જ નહીં તેના મુજબ જો કન્સેપ્ટ સારો હોય તો બજેટ મેટર કરતું નથી. તેણે ભગવાન અને દર્શકોનો આભાર માનતા કહ્યું કે આજે પણ હું કામ કરી રહ્યો છું એ દેશ અને દર્શકોનો પ્રેમ છે.
‘ટાઈમ ટુ ડાન્સ’ વિશે તેણે જણાવ્યું કે આ ફિલ્મ વિદેશમાં શૂટ થઇ છે. ફિલ્મનું નામ ભલે ડાન્સ વિશે હોય પણ આ થ્રી ડાયમેંશનલ સ્ટોરી છે.