-
પાણી માટે રજૂઆત કરવા ગયેલ મહિલાને માર માર્યાની ઘટનામાં નાટકીય વળાંક…
-
સમગ્ર રાજ્યમાં ઘટનાના પડઘા પડતા ધારાસભ્ય મહિલાને ઘરે જઇ માફી માંગી રાખડી બંધાવી,બંન્ને મોઢુ મીઠુ કર્યું…
ગાંધીનગર,
પીવાના પાણીની સમસ્યા લઇને આવેલી મહિલા સાથે સંસ્કારી ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ જે સંસ્કારોના દર્શન કરાવીને પોતાની સાથે ભાજપના પણ ધજાગરા કર્યા તેનો વિડિયો વાયરલ થયા બાદ તેનાથી દેશ આખામાં ભાજપની થૂ..થૂ.. થઇ રહી છે. પણ તેના કરતાં તો ખતરનાક ભાજપની નેતાગીરીએ કર્યું છે. મહિલાને લાતો અને મુક્કા મારનાર આ “બહાદૂર” ધારાસભ્યને ભાજપને નેતાગીરીએ માફી માંગવાનું કહ્યું અને માફી માંગી લેતા વાત પૂરી થઇ ગયાનું જાહેર કર્યું. પરંતુ કાલે કોઇ બીજા બલરામો-કોઇ બીજા થાવાણીઓ કોઇ મહિલાની આબરૂ પર હાથ નાંખશે તો ભાજપની નેતાગીરી તેને પણ માફી માંગીને વાત પૂરી કરશે…? નરોડાના આ ધારાસભ્યનું મહિલા સાથેનું કૃત્ય અપકૃત્ય સમાન છે. સત્તાના મદમાં આવીને જાહેર રસ્તા પર મહિલાને લાતોં મારવી એ મહિલાની આબરૂ લેવા જ સમાન કહી શકાય. તેમ છતાં નેતાગીરીએ માફી આપીને છોડી મૂકીને લોહી ચાખી જનાર આદમખોર શિયાળને જવા દઇને ખોટી પ્રણાલિ પાડી છે. એટલું જ નહીં કોઇ બીજા પક્ષના ધારાસભ્યે આવું કર્યું હોય તો ફટાફટ નોટિસ મોકલનાર ગુજરાત મહિલા આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગને હજુ આ કેસમાં “ઉપરથી” આદેશ મળ્યો નહીં હોય એટલે હાથ પર હાથ મૂકીને સરકારી કચેરીમાં ફાઇલોમાં વ્યસ્ત હશે…! પરિવાર અને વંશવાદનો વિરોધ કરનાર ભાજપે થાવાણી પરિવારમાં ત્રણ-ત્રણ ટિકિટો આપી છે એ બલરામ થાવાણીને માફ કરનાર વાઘાણીની જાણ સારૂ. એક બાજુ વડાપ્રધાન મોદી બેટી બઢાઓ બેટી બચાવોની વાત કરે છે ત્યારે તેમના જ હોમ સ્ટેટ એટલે કે ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત છે. હવે જોવાનું એ રહ્યું કે રૃપાણી સરકાર મહિલાને બચાવે છે કે પોતાની પાર્ટીના ધારાસભ્યને. સતત મહિલા સશક્તિકરણ અને મહિલાઓને ન્યાય અપાવવાની વાતો કરતી સરકારે આજે મહિલાઓની સુરક્ષાને ભગવાન ભરોસે છોડી દીધી હતી.
– હું માફી માગુ છુ, આ મારી નાની બહેન છે, મારાથી જાણતા-અજાણતા ભૂલ થઇઃ બલરામ થાવાણી
સોમવારે સવારે મીડિયા સાથે વાતચીત કરતા બીજેપીના ધારાસભ્ય બલરામ થાવાણીએ નફ્ફટ થઈને કહ્યું હતું કે તેઓ માફી નહીં માગે. જોકે, આ દરમિયાન બીજેપીના નેતૃત્વ તરફથી તેમને ફોન કરીને ઠપકો આપતા તેઓ ઢીલા પડી ગયા હતા અને માફી માંગવા તૈયાર થયા હતા. તેઓ માફી માંગવા માટે છેક પીડિત મહિલાના ઘરે દોડી ગયા હતા અને પીડિતાની પોતાની ધર્મની નાની બહેન ગણાવી તેની પાસે રાખડી પણ બંધાવી હતી.
બીજેપીના નેતૃત્વના દબાણ બાદ ધારાસભ્યએ જાહેરાત કરી કે તેઓ મહિલાના ઘરે જઈને માફી માંગશે. સોમવારે આશરે ૨.૩૦ વાગ્યે ધારાસભ્ય પીડિત મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને માફી માંગી હતી. માફી માંગવા ઉપરાંત તેમણે પીડિત મહિલા પાસે રાખડી પણ બંધાવી હતી. રાખડી બંધાવી બલરામ થાવાણીએ પીડિત મહિલાને પોતાની નાની બહેન ગણાવી હતી. એટલું જ નહીં મહિલા પાસે રાખડી બંધાવ્યા બાદ પીડિતાનું મોઢું પણ મીઠું કરાવ્યું હતું.
સમાધાન પછી ધારાસભ્ય બલરામ થાવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાલે જે ઘટના બની હતી. જે ગેરસમજણ હતી. તે પૂરી થઇ ગઈ છે. આ મારી નાની બહેન સમાન છે. કાલે મારાથી જાણતા-અજાણતા જે ભૂલ થઈ ગઈ. મેં બહેનને કીધું મારી ભૂલ થઇ ગઈ. અમે સમાધાન કરી લીધું છે. મેં મારી નાની બહેનને કીધું છે. તમારો ભાઈ બેઠો છે. કોઈ પણ કામકાજ માટે હું બેઠો છું.
મહિલાને લાતો માર્યા બાદ સમાધાન કરી લેનારા ભાજપના ધારાસભ્ય પ્રત્યે ચોતરફથી ફિટકાર વરસી છે. આ મામલે કોંગ્રેસ પણ આક્રમક બની છે, એટલું જ નહીં રાજ્યના મહિલા આયોગે પણ પોલીસ કમિશ્નરને આ મામલે રિપોર્ટ સોંપવાનું જણાવ્યું હતું. બીજી તરફ લોકોમાં ચર્ચા જાગી હતી કે લાતો મારીને રાખડી બંધાવનાર આ તો કેવી ભાઈ છે.
જોકે, અહીં બીજી હકીકત એવી છે કે ચારે તરફથી દબાણ બાદ સવારે માફી નહીં માંગવાની હુંકાર કરનારા ભાજપના ધારાસભ્યએ સાંજે પીડિત મહિલાના ધર્મના ભાઈ બનવું પડ્યું છે. પીડિતાના હાથે રાખડી બંધાવી ભાજપના ધારાસભ્યએ તેણીના આશીર્વાદ પણ આપવા પડ્યા છે.