આણંદની એક હોસ્પિટલમાં ગર્ભવતી યુવતીને દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાના કારણે પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, પરંતુ થોડીવાર પછી પરિવારને કહેવામાં આવ્યું કે, પ્રસુતાએ બાળકને નહીં પણ બાળકીને જન્મ આપ્યો છે ત્યારે પરિવારજનોએ હોસ્પિટલના ડૉકટરો પર બાળકની અદલા-બદલીના આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર, આણંદમાં આવેલી શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજમાં એક પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને દાખલ કરાવવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાને થોડી જ વારમાં પ્રસુતિ થઇ હતી, ત્યારે હોસ્પિટલની એક નર્સે બાળકના પિતાને પુત્રનો જન્મ થયો હોવાના સમાચાર આપ્યા હતા. આ સમાચાર સાંભળીને પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, પરંતુ પરિવારની પુત્ર જન્મની ખુશી વધારે સમય રહી શકી નહોતી. કારણે કે, થોડીવાર પછી હોસ્પિટલન ડૉકટરોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે, પ્રસુતાએ બાળકીને જન્મ આપ્યો છે. ડૉક્ટરની આ વાત સાંભળીને પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને પરિવારજનોએ હોસ્પિટલના ડૉક્ટર પર બાળકની અદલા-બદલી કરવાનો આક્ષેપ કર્યો હતો.