સલમાન ખાને ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે નહીં, તેવી ટ્વીટ કરીને ચાહકોને આંચકો આપ્યો હતો. સલમાને બીજી ટ્વીટ કરીને એમ કહ્યું હતું, ‘ઈતના મત સોચના મેરે બારે મૈં, દિલ મૈં આતા હૂં ઔર ઈદ પે ભી.’ આ ટ્વીટ પરથી માનવામાં આવે છે કે આવતા વર્ષે ઈદ પર ‘કિક ૨’ રિલીઝ થશે. સલમાનની ટ્વીટ બાદ ભણશાલી પ્રોડક્શને પણ ટ્વીટ કરી હતી. જોકે, આ ફિલ્મને લઈ સલમાન ખાને એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. નોંધનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ ત્રણ દિવસ બાદ શરૂ થવાનું હતું.
ભણશાલી પ્રોડક્શને ટ્વીટ કરી હતી, ‘હાલમાં ભણશાલી પ્રોડક્શને ‘ઈન્શાઅલ્લાહ’ પર કામ ના કરવાનો નિર્ણય લીધો છે. અન્ય નિર્ણયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.’ આ મુદ્દે અંગ્રેજી અખબારે સલમાન ખાનના નિકટના સૂત્રો સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સલમાન ખાને સ્ક્રીપ્ટમાં કોઈ પણ પ્રકારના બદલાવ લાવવાની વાત કરી નહોતી પરંતુ સલમાન તથા સંજયે પરસ્પર સહમતિથી હાલમાં આ ફિલ્મ ના બનાવવાનો નિર્ણય કર્યો છે. વધુમાં સલમાન ખાને આવતા વર્ષે ઈદ પર કઈ ફિલ્મ રિલીઝ થાય તેને લઈ તેની પાસે બે પ્રોજેક્ટ્સ હતાં. આમાંથી એક ફિલ્મની પસંદગી સલમાને કરવાની હતી.