Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતની ‘વિરાટ’ જીત : દ.આફ્રિકાનો ૩-૦થી વ્હાઇટવૉશ…

ભારતે દ.આફ્રિકાને અંતિમ ટેસ્ટમાં એક ઇનિંગ ૨૦૨ રનથી હરાવી ઇતિહાસ રચ્યો…

દ.આફ્રિકાની બીજી ઇનિંગ ૧૩૩ રનમાં સમેટાઇ, શમીએ ૩, યાદવ અને નદીમે ૨-૨ વિકેટ ઝડપી…

રાંચી : રાંચી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ મોટી જીત પ્રાપ્ત કરી લીધી છે. રમતના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાને જીત માટે માત્ર ૨ વિકેટની જરૂરત હતી અને ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકી ઇનિંગને ઓલ આઉટ કરવામાં વધુ સમય લાગ્યો નહોતો. ટીમ ઇન્ડિયાએ માત્ર ૧૨ બોલમાં સાઉથ આફ્રિકીની ઇનિંગની બાકી રહેલી ૨ વિકેટ લઇ લીધી હતી. શાહબાઝ નદીમે દિવસની પોતાની પ્રથમ ઓવરની પાંચમી બોલ પર ડી બ્રુઈને રિદ્ધીમાન સાહાના હાથે કેચ આઉટ કરાવ્યા અને ત્યાર બાદ તેમને લુંગી એનગીડીને પોતાની જ બોલ પર કેચ પકડી સાઉથ આફ્રિકા ટીમને ઓલ આઉટ કરી દીધી હતી. સાઉથ આફ્રિકાના ઇનિંગ ૧૩૩ રન પર સમાપ્ત થઈ અને ભારત ઇનિંગ અને ૨૦૨ રનથી આ મેચ જીત્યું હતું. ઓપનર રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા પર આ સીરીઝ જીતની સાથે જ ભારતીય ટીમે ઘરઆંગણે સતત ૧૧ ટેસ્ટ સીરીઝ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
ટીમ ઇન્ડિયાએ આ જીત સાથે જ ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલી પ્રથમ કેપ્ટન બની ગયા છે જેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને ટેસ્ટ સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. ટીમ ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ, પુણે ટેસ્ટમાં જીત પ્રાપ્ત કર્યા બાદ સાઉથ આફ્રિકાને રાંચીમાં પણ હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડીયએ પોતાની ધરતી પર ૩૨ માંથી ૨૬ મી ટેસ્ટ જીતી છે. ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૧૨ થી પોતાના ઘર પર ટેસ્ટ સીરીઝ હારી નથી.
રાંચી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની જીતના હીરો રોહિત શર્મા રહ્યા, જેમને પ્રથમ ઇનિંગમાં શાનદાર બેવડી સદી ફટકારી ભારતીય ટીમને ૪૯૭ રન સુધી પહોંચાડ્યું હતું. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ ૧૧૫ રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ ૫૧ રનની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના બોલરોએ પોતાની લાઈન અને લેન્થથી સાઉથ આફ્રિકા ટીમને વેરવિખેર કરી દીધી હતી. સાઉથ આફ્રિકી ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૬૨ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઉમેશ યાદવે ૩, શમીએ ૨, જાડેજાએ ૨ અને શાહબાઝ નદીમે પણ બે વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાને સતત બીજી વખત ટીમ ઇન્ડિયાએ ફોલોઓન આપ્યું અને બીજી ઇનિંગમાં પણ સાઉથ આફ્રિકાની ટીમ લડખડાઈ ગઈ હતી.
ફોલોઓન બાદ બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકા ટીમ માત્ર ૧૩૩ રન જ બનાવી શકી હતી. ટીમના ૭ બેટ્‌સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યા નહીં અને સર્વશ્રેષ્ઠ સ્કોર માત્ર ૩૦ રન રહ્યો હતો. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા માટે શમીએ ૩, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમે ૨-૨ વિકેટ લીધી હતી. અશ્વિન અને જાડેજાને ૧-૧ વિકેટ પ્રાપ્ત થઈ હતી.
આ શ્રેણીમાં અનેક રેકોર્ડ પણ બન્યા હતા જેમાં રોહિત શર્માએ એક જ સિરીઝમાં ૫૨૯ રન બનાવ્યા હતા તો સાથે સાથે કુલ ૧૯ છગ્ગા ફટકારી પોતાના નામે એક કીતિર્માન રચી દીધો હતો. આ શ્રેણીમાં રવીન્દ્ર જાડેજાએ પોતાની ૨૦૦ વિકેટ પણ પૂર્ણ કરી લીધી હતી. આ શ્રેણીમાં સૌથી વધુ ૧૫ વિકેટ આર.અશ્વિને ખેડવી હતી.

ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ૨૪૦ પોઈન્ટ સાથે પહેલા સ્થાને યથાવત રહી છે. ભારતે ચેમ્પિટનશિપમાં અત્યાર સુધી રમેલી ૫ ટેસ્ટ મેચોમાં જ જીત મેળવી છે. ભારત પછી બીજા અને ત્રીજા સ્થાને ક્રમે ૬૦ પોઈન્ટ અનુક્રમે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે. હવે ભારત બાંગલાદેશ સાથે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. પહેલી ટેસ્ટ ૧૪ નવેંબરે શરૂ થશે.

Related posts

દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટવૉશ નિશ્ચિત : ભારત ત્રીજી ટેસ્ટ જીતથી બે વિકેટ દૂર…

Charotar Sandesh

તણાવપૂર્ણ સમયે ૩ વખત કરી હતી આત્મહત્યા કરવાની કોશિશઃ મોહમ્મદ શમી

Charotar Sandesh

બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા અપાશે…

Charotar Sandesh