ડુંગળીના સતત ભાવ વધતાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય…
કેન્દ્ર પાસે પૂરતી માત્રામાં ડુંગળીનો સ્ટૉક છે અને તેને વિભિન્ન રાજ્યોમાં આપૂર્તિ કરવા જઇ રહી છે જેથી કિંમતો ઘટશેઃ રામવિલાસ પાસવાન…
ન્યુ દિલ્હી,
ડુંગળીના ભાવ કાબુમાં લેવા કેન્દ્ર સરકારએ તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. ડુંગળીના સતત વધી રહેલા ભાવોની વચ્ચે મોદી સરકારએ મોટો નિર્ણય લીધો છે. ડુંગળી નિકાસ કરવાની નીતિમાં ફેરફાર કરતાં સરકારે બીજા આદેશ સુધી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ, તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, આની આશા કેટલાક દિવસોથી વ્યક્ત કરવામાં આવતી હતો કે સરકાર ડુંગળીના નિકાસ સંબંધી નીતિ વિશે કોઈ મહત્વપૂર્ણ પગલું ભરી શકે છે.
સમગ્ર દેશમાં ડુંગળીની ઘટ બાદ તેની કિંમતોમાં ભારે ઉછાળો જોતાં તેની નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ખાદ્ય આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, કેન્દ્રની પાસે પૂરતી માત્રામાં ડુંગળીનો સ્ટૉક છે અને તેને વિભિન્ન રાજ્યોમાં આપૂર્તિ કરવા જઈ રહી છે, જેથી કિંમતો ઘટશે.
દેશમાં છેલ્લા એક માસમાં મહારાષ્ટ્ર સહિત ડુંગળી પકવતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી પાક બગડ્યો છે. જેને પગલે દિલ્હી સહિતના બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ૬૦-૮૦ સુધી પહોંચ્યો હતો. તહેવારો સમયે દેશવાસીઓને ડુંગળીના ઊંચા ભાવથી રાહત આપવા સરકારે ૫૦ હજાર ટનનો બફર સ્ટોક વેચવા કાઢ્યો છે.
સરકારે ડુંગળીના વધતા ભાવને પગલે સંગ્રહખોરો અને ભાવ વધારવા માટે કારણભૂત પરિબળો સામે લાલ આંખ કરી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મોટાપાયે ડુંગળીની ખેતી થાય છે જો કે આ રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડતા પાક બગડવાથી પુરવઠો ખોરવાયો છે.
કેન્દ્ર સરકારે જે ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે દિલ્હી, મુંબઈ અને લખનૌમા ડુંગળીની કિંમત ૬૦ રુપિયા કિલો છે.ચેન્નાઈમાં ૪૨ રુપિયે અને પોર્ટ બ્લેરમાં ૮૦ રુપિયે કિલો છે.
ડુંગળી પકવતા રાજ્યોમાં વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ડુંગળીના સપ્લાય પર અસર પડી છે.જેના કારણે ડુંગળીના ભાવમાં થઈ રહેલો વધારો લોકોને રડાવી રહ્યો છે.