મુંબઈ : યુવરાજ સિંહને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિદાય મેચ રમ્યા વગર સંન્યાસની ઘોષણા કરવી પડી હતી. અને હવે ફરી એકવાર યુવરાજ સિંહ માટે એક માઠા સમાચાર છે. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ ઓક્શન પહેલાં યુવરાજ સિંહ સહિત સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. યુવરાજ ઉપરાંત એવિન લૂઈસ, એડમ મિલ્ને, જેસન બેહરનફોર્ડ, બરિંદ સરાન, બેન કટિંગ અને પંકજ જયસવાલનું નામ સામેલ છે.
મુંબઈ ઈન્ડિયનન્સે ગત વર્ષે ઓક્શનમાં યુવરાજ સિંહને ૧ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. પણ ઉમ્મીદ પ્રમાણે તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. બાદમાં તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી પણ સંન્યાસનું એલાન કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે યુવરાજ ઉપરાંત અન્ય ૬ ખેલાડીઓને પણ તેમનાં પ્રદર્શનને કારણે ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.
હવે આ સાત ખેલાડીઓને બહાર કરી દેતાં મુંબઈ પાસે ૧૩.૦૫ કરોડ રૂપિયાનું પર્સ છે. તેની પાસે હવે કુલ સાત ખેલાડીઓની જગ્યા બચી છે. સાથે જ બે વિદેશી ક્રિકેટર્સને પણ લેવાની જગ્યા બચી છે. આ રકમથી મુંબઈ આગામી મહિને થનાર ઓક્શનમાં બે નવા ચેહરા ઉપર દાવ લગાવી શકે છે. ૧૫ નવેમ્બર ઓક્શન પહેલાં ખેલાડીઓને બહાર કરવાની અંતિમ ડેડલાઈન હતી. તેવામાં આઈપીએલની લગભગ તમામ ટીમોએ અનેક ખેલાડીઓને બહાર કરી દીધા છે. ચેન્નાઈ સુપરકિંગ્સે પણ ૫ ક્રિકેટરોને ટીમમાંથી બહાર કરી દીધા છે.