પોલીસે મોટીમાત્રામાં હથિયારો જત કર્યા…
અમદાવાદ : રાજ્યમાં ગુજસીટો ગુજસીટોક કાયદો ગત ડિસેમ્બર મહિનામાં લાગુ કરવામાં આવ્યો જે બાદ આજે પહેલીવાર આ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખ્સની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી ખંડણી અને ધમકીનાં ફોનની ઘટનાઓ સામે આવી રહી હતી.
આ ગેંગનાં ઝડપાયેલા લોકો પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે તે હેતુથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી લીધી હતી.
આ કાયદા માટે ૨૦૦૩માં ગુજરાત સરકારે ગુજકોક બિલ રજૂ કર્યું હતું. ગુજકોક બીલને નવા સ્વરૂપે ગુજસીટોક બીલ તરીકે રજૂ કરાયું હતું. વર્ષ ૨૦૧૫માં ગુજરાત વિધાનસભામાં બીલ પસાર થયું. આ બીલને મંજૂરી મળતા ૧ ડિસેમ્બરથી ગુજરાતમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો. ગુજસીટોક બીલ સંગઠીત ગુનાખોરીને ડામવા ઉપયોગી થશે. નવા બીલ પ્રમાણે ફોન રેકોર્ડ કરીને પણ પોલીસ સંગઠીત સિન્ડીકેટને પકડી શકશે. પોલીસ અધિકારી સમક્ષ આપેલી કબૂલાત અંગે પણ ફેરવિચારણાં થઈ શકશે. પોન્ઝી સ્કીમને પણ ગુજસીટોક અંતર્ગત સમાવિષ્ટ કરાશે. અપહરણ, ખંડણી કે ધાક ધમકી આપીને રૂપિયા પડાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.