ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પોતાને આદર્શ પતિઓથી સારો સમજે છે. તેનું કહેવું છે કે, તે પત્નીની દરેક વાતનો ’હા’માં જવાબ આપે છે, કારણકે તેનાથી તેની પત્ની ખુશ રહે છે. ધોનીએ આ વાત મંગળવારે ચેન્નાઇમાં એક મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા આયોજિત ઇવેન્ટમાં કહી હતી. ધોની તેનો બ્રાન્ડ ઍમ્બૅસેડર છે. ધોનીએ કહ્યું કે બધા પુરુષ લગ્ન પહેલા સિંહ હોય છે.
કાર્યક્મમાં ભારતીય કપ્તાને કહ્યું કે, લગ્નનો મતલબ ત્યારે જ ખબર પડે છે જયારે તમે ૫૦ વર્ષની ઉંમરને પાર કરી લો છો. જયારે તમે ૫૫ના થાવ છો તો પ્રેમ કરવાની તે સૌથી સાચી ઉંમર છે. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ધોની અને સાક્ષીએ ૪ જુલાઈ ૨૦૧૦ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલની એક દીકરી પણ છે, જેનું નામ ઝીવા છે.
કાર્યક્રમમાં ધોનીએ લગ્નજીવન વિશે કહ્યું કે, હું આદર્શ પતિઓ કરતા સારો છું કારણકે હું મારી પત્નીને તે બધું કરવાની છૂટ આપું છું, જે તે કરવા માગે છે. પત્ની ખુશ રહેશે તો જ હું ખુશ રહીશ અને મારી પત્ની ત્યારે જ ખુશ રહેશે જયારે હું તેની દરેક વાતનો હામાં જવાબ આપીશ.