કપિલ દેવે રવિવારે એક કાર્યક્રમમાં પોતાની કપ્તાનીના દિવસોને યાદ કર્યા હતા. ૧૯૮૨-૮૩ની સીઝનમાં ૨૩ વર્ષની વયે ટીમની કમાન સંભાળનાર કપિલે કહ્યું કે, કપ્તાન પદે આવ્યા પછી મને વિચિત્ર લાગતું હતું કે કે મારા સીનિયર્સ મારા નેતૃત્વમાં રમી રહ્યા છે. તે સમય અઘરો હતો. જોકે મેં એક વાત નક્કી કરી લીધી હતી કે, ફિલ્ડ ઉપર હું કપ્તાન છું અને ફિલ્ડની બહાર મારા સીનિયર્સ કપ્તાન છે.
કપિલે કહ્યું કે, જ્યારે મને કપ્તાની સોંપવામાં આવી તો ખુશ થવાની જગ્યાએ હું ડરી ગયો હતો. ખુશી એ વાતની છે કે સિલેક્ટર્સે મને કપ્તાની લાયક સમજ્યો હતો. ડર એ વાતનો હતો કે, હું સીનિયર ખેલાડીઓને કઈ રીતે સંભાળીશ. જોકે સીનિયર્સનું સાથે રહેવું હંમેશા ફાયદાકારક હોય છે.
કપિલ દેવે ૧૯૮૨-૮૩માં શ્રીલંકાના પ્રવાસે ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી હતી. તે દરમિયાન સુનિલ ગાવસ્કરને આરામ આપવામાં આવ્યો હતો. વિન્ડીઝ વિરુદ્ધ ૧૯૮૨-૮૩માં કપિલને પહેલી વાર ફુલટાઇમ કપ્તાન તરીકે મોકલવામાં આવ્યા હતા. ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતાડવામાં કપિલે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે ટૂર્નામેન્ટમાં ૩૦૩ રન કર્યા હતા અને ૧૨ વિકેટ લીધી હતી.