બાબરની ઐતિહાસિક ભૂલને સુધારવાની જરૂર : હિન્દુ પક્ષના વકિલ
મુસ્લિમ ક્યાંક બીજે જઇને પણ નમાઝ પઢી શકે છે,પરંતુ આ ભગવાન રામનું જન્મસ્થાન છે,અમે આ ના બદલી શકીએ : વકીલ
ન્યુ દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ મુદ્દે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, (૧૬ ઓક્ટોબરે) આ મામલાની ૪૦મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે, બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે. અયોધ્યામાં ઘણી(૫૦-૬૦) મસ્જિદો છે, જ્યાં મુસ્લિમ નમાજ અદા કરી શકે છે, પરંતુ હિન્દુ ભગવાન રામના જન્મસ્થળ એટલે કે અયોધ્યાને બદલી ન શકાય.
સુનાવણી દરમિયાન વકીલ કે. પરાસરણે પોતાની દલીલમાં કહ્યું કે, કોઇને પણ ભારતનાં ઇતિહાસને નષ્ટ કરવાની પરવાનગી ના આપી શકાય. સુપ્રીમ કોર્ટે ઇતિહાસની ભૂલને સુધારવી જોઇએ. એક વિદેશી ભારતમાં આવીને પોતાના કાયદા લાગુ ના કરી શકે. હિંદુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે, મુસ્લિમ ક્યાંક બીજે જઇને પણ નમાઝ પઢી શકે છે, અયોધ્યામાં ૫૬-૬૦ મસ્જિદ છે, પરંતુ આ ભગવાન રામનું જન્મસ્થાન છે. અમે આ ના બદલી શકીએ.
સુનાવણી દરમિયાન વકીલ કે. પરાસરણે કહ્યું કે, મુસ્લિમોએ સાબિત કરવું પડશે કે જમીન પર તેમનો હક છે. આના પર જસ્ટિસ નઝીરે પુછ્યું કે, એડવર્સ પઝેશનને સાબિત કર્યા વગર માલિકીનો હક સાબિત કરી શકાય છે? આના પર કે. પરાસરણે કહ્યું કે, કેમકે ડ્યુઅલ ઑનરશિપની જોગવાઇ ભારીતય કાયદામાં છે. જેથી એડવર્સ પઝેશનમાં પણ કોઇની જમીન પર કોઈ જબરદસ્તીથી બિલ્ડિંગ બનાવી લે, તો પણ જમીન માલિકીનો હક જમીનવાળાનો જ રહે છે. તેમણે કહ્યું કે, અમારે નહીં, પરંતુ મુસ્લિમ પક્ષે માલિકીનો હક સિદ્ધ કરવાની જરૂરિયાત છે, કેમકે અમારો દાવો તો સ્વયંસિદ્ધ છે.
સુનાવણી ૧૭ ઓક્ટોબરે ખતમ થઈ શકે છે. તેના આશરે એક મહિના પછી એટલે કે ૧૭-૧૮ નવેમ્બરે ચુકાદો આવી શકે છે. આ મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે, જે ડિસેમ્બર સુધી લાગુ રહી શકે છે. મોડી રાતે જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, અયોધ્યા-ફૈઝાબાદ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી સંગઠિત, સામુહિક કાર્યક્રમો કે મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે.