કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દેનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કડક વલણ અપનાવતા કોંગ્રેસ પાર્ટીએ તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધો છે. અલ્પેશના સ્થાને સહપ્રભારી તરીકે અજય કપૂરની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે ગુજરાતના નેતા શÂક્તસિંહ ગોહિલ બિરાજમાન છે, જ્યારે સહપ્રભારીની જવાબદારી અલ્પેશ ઠાકોરને સોંપવામાં આવી હતી.
અલ્પેશે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી લેતા કોંગ્રેસે તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધો છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ તેની સામે શું પગલાં લેવામાં આવશે તે અંગે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા વિચારણા બાદ પ્રદેશ કોંગ્રેસ કોઈ નિર્ણય લેશે.
આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “હાલ અમે અલ્પેશ ઠાકોર સામે પુરાવા એકઠા કરી રહ્યા છીએ. આ મામલે કાયદાકીય સલાહ પણ લેવામાં આવશે. અલ્પેશને સસ્પેન્ડ કરવો કે અન્ય કોઈ કાર્યવાહી કરવી તેનો નિર્ણય હાઇકમાન્ડ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ લેવામાં આવશે.”
ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આશા પટેલે રાજીનામું આપ્યા બાદ આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ તરફથી આ બેઠક પર આશા પટેલને જ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ તરફથી અહીં કામુ પટેલ મેદાનમાં છે. એનસીપી તરફથી અહીં નટુ ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોરે એનસીપીના ઉમેદવારને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.