અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. ઈન્કમટેક્સ વિભાગે ફાર્મા સેક્ટરની અગ્રણી કંપની દિશમાન ફાર્માસ્યુટીકલ્સમાં રૂ. ૧૭૭૦ કરોડના બેનામી વ્યવહારો પકડી પાડ્યા છે. દિશમાન ગ્રૃપ કંપનીએ રૂ. ૨ હજાર કરોડનું ટર્ન ઓવર દર્શાવ્યું હતું. જેમાં ફક્ત રૂ. ૧૦ કરોડનો ઓપરેટિંગ નફો તેમજ રૂ. ૭૨ કરોડની કમિશન, વ્યાજ, ડિવિડન્ડની આવક દર્શાવતા હિસાબોને કારણે શંકાનાં દાયરામાં આવી હતી. જેથી દિશમાન ફાર્માની નરોડા, બાવળામાં આવેલી ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને બોપલ-આંબલીમાં ૧૨ રેસિડેન્સિયલ સહિત ૧૯ જેટલી પ્રિમાઈસીસ સર્ચ અને સર્વે હાથ ધર્યો હતો.
ભારત ઉપરાંત ૧૬ વિદેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને કરોડોનો વ્યવસાય ધરાવતી દિશમાન કોર્બોજેન એમ્સિસ પ્રા.લિ.માંથી અત્યાર સુધીમાં રૂ. ૬૪.૯ લાખ રોકડ સહિત ૧.૫ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ છે. રૂ ૩૦.૪૨ લાખની વિદેશી ચલણી નોટ પણ જપ્ત કરી છે. તેમજ ૨૪ લોકર સીલ કરાયા છે.
ઇન્કમટેક્સનાં અધિકારીઓને તપાસમાં જાળવા મળ્યું હતું કે, દિશમાન કોર્પોરેશન દ્વારા પોતાની જ કંપની કોર્બોજિન એમ્સીસ પ્રા.લિને દિશમાન ગ્રૂપમાં મર્જ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫માં આ કંપનીઓ મર્જ થઇ દિશમાન કોર્બોજિન એમ્સીસ પ્રા.લિ. બની હતી. દિશમાનના સંચાલકોએ સુપ્રિમ કોર્ટના કોઇ ચુકાદાની આડમાં મર્જ કંપનીના ગુડવીલના રૂ. ૧૩૨૬ કરોડમાંથી ડેપરિસીએશન પેટે રૂ.૯૦૦ કરોડનાં દાવા કર્યાં હતાં. જેની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ગ્રૂપની બે મુખ્ય માર્કેટિંગ કંપની દિશમાન યુએસએ તથા દિશમાન યુરોપ લિમિટેડ લંડનના વ્યવહારોની તપાસ ચાલી રહી છે.
આઈટીની તપાસમાં બોગસ લોન, બોગસ એડવાન્સીસ, બોગસ પર્સનલ વ્યવહારો, બોગસ કમિશન, પગાર, સહિત ચૂકવણીના બોગસ ખર્ચા અને બિલો જનરેટ કરીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.