યોગી સરકારને અઢી વર્ષ પૂરા,અખિલેશ-મુખ્યમંત્રી આમને-સામને
રાજ્યમાં ભ્રષ્ટાચાર,હત્યા સહિતના ગુનાઓમાં વધારો થયો : અખિલેશ યાદવ
લખનઉ,
ઉત્તર પ્રદેશની યોગી સરકારે અઢી વર્ષના કામકાજનો રિપોર્ટ રજૂ કર્યો છે. સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અઢી વર્ષમાં એક પણ કોમી તોફાન થયા નથી. સરકારે ૮૬ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યુ છે. સરકારે હંમેશાં ખેડૂત, યુવાન અને મહિલાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધા છે.
લોકોમાં સરકારનાં શાસન પર વિશ્વાસ વધ્યો છે. રાજ્યમાં ૨૪ કલાક વીજળી આપવામાં આવી રહી છે. અને ગુનેગારો પર લગામ લગાવવામાં આવી છે. રાજ્યમાં હત્યાની ઘટનામાં ૧૫ ટકા અને લૂંટની ઘટનામાં ૫૪ ટકાનો ઘટાડો થયો છે.
ભાજપના શાસનમાં પોલીસ પણ હાઈટેક બની છે. અને પોલીસ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. સીએમ યોગીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી બે વર્ષમાં ૨૫ લાખ યુવાઓને રોજગારી મળશે. જેના માટે સરકાર તૈયારી કરી રહી છે.
અખિલેશે આપ્યો જવાબ…
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના અઢી વર્ષ પૂર્ણ થતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર અને હત્યા સહિતના ગુનાઓની સંખ્યામાં વધારો થયો છે.
યુપી સરકારમાં ભ્રષ્ટાચાર અત્યારે ચરમસીમાએ છે. અને ગુનેગાર બેફામ બન્યા છે. અખિલેશ યાદવે કહ્યુ કે, યોગી સરકાર ખેડૂતોના દેવા માફીનો કથિત દાવો કરી રહી છે. યોગી સરકાર બાદ અખિલેશ યાદવના નિશાને કેન્દ્રની મોદી સરકાર આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે દેશને શૌચાલયમાં ગુચવીને રાખ્યો છે.