Charotar Sandesh
ગુજરાત ચરોતર

આજથી સાવધાન : ક્યાંક તમારા વાહનનો મેમો ફાટી ન જાય…

રાજ્યભરમાં આજથી ટ્રાફિકના નવા નિયમોનું કડક પાલન થશે, પોલીસ તૈયાર

અગાઉ રૂપાણી સરકારે દંડની રકમમાં ૫૦ ટકાનો ઘટાડો કરી પ્રજાને મહદ્‌અંશે રાહત આપી હતી, પ્રજાની સાથે સાથે રાજ્ય પોલીસવડાનો પોલીસને પણ નવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા આદેશ…

ગાંધીનગર,
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મોટર-વ્હિકલ એક્ટરમાં સુધારો કરી અને નવા નિયમો બહાર પાડ્યા છે. ત્યારે આજથી ગુજરાતમાં આ નિયમનો કડકપણે અમલ કરવામાં આવશે. રાજ્યભરની તમામ પોલીસ આજથી આ કાયદાનો કડક અમલ કરાવશે.
આ નવા કાયદામાં વધારે દંડથી બચવા માટે જનતા અત્યારથી દોડધામ કરી રહી છે. કેટલાક લોકો PUCની લાઈનોમાં જોવા મળે છે, તો કેટલાક લોકો RTOમાં લાઈસન્સની કે, HSRP નંબર પ્લેટની લાઈનમાં ઉભેલા જોવા મળે છે.
રાજ્ય સરકારે પીયુસીમાં રાહત આપીને ૧ ઑક્ટોબરથી ફરજિયાતનો આદેશ આપ્યો છે અને એચએસઆરપી નંબર પ્લેટ માટે પણ રૂપાણી સરકારે ૧૭ ઑક્ટોબર સુધી પ્રજાને રાહત આપી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આજથી ગુજરાતમાં કડક ટ્રાફિક નિયમોનું પાલન કરવું જ પડશે નહિ તો આકરા દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની ૫૦ કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટના નવા નિયમોનો અમલ ૧૬મી સપ્ટેમ્બરથી થશે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી. ઓ દંડ નહીં કરી શકે.
રૂપાણીએ વધુમાં જણાવ્યું કે સરકારને દંડમાં રસ નથી પરંતુ સામાન્ય માણસને કાયદાનું પાલન કરાવવા માટે આ નિયમનો આકરો અમલ કરાવવામાં આવશે. મારી ઇચ્છા તો એવી છે કે સરકારને એક પણ રુપિયાનો દંડ ન મળે અને લોકો સતત કાયદાનું પાલન કરે.
વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યુ કે જો તમે હાર્લે ડેવિડ્‌સન કે લેમ્બોર્ગિની ચાલક છો તો પણ તમારે સ્થાનિક સ્પીડના નિયમોનું પાલન કરવું પડશે. આ વાહનોમાં તેમના ઉત્પાદક દેશોના રસ્તાઓ અને સ્પીડને ધ્યાનમાં રાખી પાવર આપવામાં આવતો હોય છે પરંતુ આપણાં દેશમાં આ સ્પીડ લાગુ પડતી નથી તેથી આવા હેવી સ્પીડ ધરાવતાં વાહનોના ચાલકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.
રૂપાણીએ ઉમેર્યુ કે આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસ અને આર.ટી.ઓ ચેકિંગ કરશે અને સ્થળ પર સમાધાન શુલ્ક પાવતી આપશે, જ્યારે ઈ-ચલણ એક અલગ વ્યવસ્થા છે. ઈ-ચલણોનો અમલ સતત થતો રહેશે.

Related posts

તીર્થધામ વડતાલધામમાં ૬૩મી રવિસભામાં પક્ષીઓ માટે પ૦૦૦ પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાયું

Charotar Sandesh

આણંદ પાલિકાના પ્રમુખનો ચાર્જ ચાર દિવસ માટે ઉપપ્રમુખ છાયાબા ઝાલાને સોંપાયો

Charotar Sandesh

કોરોનાનો કહેર યથાવત : આણંદ શહેરમાં ૬ સહિત જિલ્લામાં વધુ ૧૦ કેસો પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh