સારવાર દરમિયાન ૧૨ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા, ૧૬૪ ને નવજીવન પ્રાપ્ત થયુ…
પશુઓની સારવારને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ ખંભાતના ધારાસભ્યશ્રીએ પ્રત્યક્ષ નિહાળી…
આણંદ-બુધવાર– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન ચાલવવામાં આવેલા કરુણા અભિયાનને પરિણામે આણંદ જિલ્લામાં પતંગના દોરીથી ઘાયલ ૧૬૪ પક્ષીઓને નવજીવન મળ્યું છે. જો કે, પતંગના દોરથી ગંભીર રીતે ઘાયલ ૧૨ પક્ષીઓને બચાવી શકાયા નથી.
ઉક્ત અભિયાનની વિગતો આપતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી બી.આર.પરમારે કહ્યું કે, આણંદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારની કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલી આ પક્ષીઓને લઇ સારવાર કરવામાં આવી હતી.
ઉત્તરાયણના દિવસે જિલ્લામાં કુલ ૧૭૬ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના શાંતિના દૂત ગણાતા કબુતરનો પણ સામવેશ થાય છે. આ પક્ષીઓને તુરંત સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ૧૬૪ પક્ષીઓને નવજીવન આપવામાં સફળતા મળી હતી. તેમાંથી ઘણા પક્ષીઓને સફળતાપૂર્વક ગગનવિહાર માટે છોડી મૂકવામાં આવ્યા છે. જ્યારે ગંભીર ઇજા પામેલા પક્ષીઓને ખોરાક તેમજ પાણી આપીને દેખરેખ માટે જિલ્લાની વિવિધ નર્સરીમાં રાખવામાં આવ્યા હતા. આ કરૂણા અભિયાનમાં ૧૨ પક્ષીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ અભિયાનમાં પશુપાલન વિભાગના તબીબોનો સહયોગ અમૂલ્ય રહ્યો હતો.
ઉત્તરાયણના દિવસે સમગ્ર જિલ્લામાં એમજીવીસીએલને મળેલી વિવિધ લાઇન ટ્રીપિંગની ફરિયાદોના નિરાકરણ માટે વીજલાઇનો તુરંત રીપેર કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. વીજલાઇનમાં ફસાયેલી પતંગને કાઢવા જતાં લાઇનો ટ્રીપ થવાનું બહુધા કિસ્સામાં ધ્યાને આવ્યું છે.
આમ તો સમગ્ર આણંદ જિલ્લામાં ઉતરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી શાંતિપુર્ણ થઇ હતી પરંતુ કેટલાક કિસ્સામાં તકેદારીના અભાવે અકસ્માત પણ થવા પામ્યા હતા. જેમાં દોરીના કારણે ગળુ કપાઇ જવાના ૦૩ બનાવો બન્યા હતા જેને 108 એમ્બ્યુલન્સ દ્વારા તુરંત જ યોગ્ય સારવાર આપવામાં આવી હોવાનું જીવીકેના શ્રી અમંતલી નકવીએ જણાવ્યુ હતુ.
આ કરૂણા અભિયાનમાં ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર માટે બોરીવલ્લી ખંભાતી જૈન મિત્ર મંડળ તથા ખંભાતના કાર્યકર્તાઓ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ધાયલ થયેલા પક્ષીઓની સારવાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર તેમજ ખંભાતના ધારાસભ્યશ્રી મયુરભાઇ રાવલે પ્રત્યક્ષ નિહાળી હતી અને કેમ્પના આયોજક મિત્રો, તેમજ પશુપાલન વિભાગની ટીમની કરૂણામય કામગીરીને બિરદાવી હતી.