જિલ્લા પ્રશાસનના તમામ વિભાગોને સુસજ્જ રહેવા સૂચના : ખેડૂતો સહિત લોકોને સાવધ રહેવા અનુરોધ : તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા સૂચના…
આણંદ : હવામાન ખાતા દ્વારા તા.૩ નવેમ્બર થી તા.૮મી નવેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા સહિત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં મહા વાવાઝોડું ત્રાટકવાથી અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને અનુલક્ષીને રાહત નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રશાસનો અને ખેડૂતો સહિત લોકોને સાવચેત રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થવાની શકયતા છે, જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
તેઓએ સમગ્ર વહીવટી તંત્ર, સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ અને તાલુકા નિયંત્રણ કક્ષ સહિત તમામને તકેદારીના જરૂરી આગોતરા પગલાં લેવા, બચાવ અને રાહતની સુસજ્જતા રાખવા અને જિલ્લા મથક સાથે સતત સંપર્ક જાળવી કોઈ પણ ઘટના કે બનાવની તુરત જાણ કરવા સૂચના આપી છે.
મહા વાવાઝોડાને અનુલક્ષીને જિલ્લામાં સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા તાલુકા લાયઝન અધિકારીઓ તેમજ તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. આ મહા વાવાઝોડાની અસર હેઠળ ૬૦ થી ૭૦ કિમીની ઝડપે પવનો ફૂંકાવાનું અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે તે પ્રમાણે બચાવ અને રાહત માટે તૈયાર રહેવા જણાવવાની સાથે ખાસ કરીને ખેડૂતો અને લોકોને પોતાના જાનમાલની સુરક્ષાના અનુસંધાને જરૂરી સતર્કતા રાખવા જણાવાયું છે.