આણંદ,
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ગોદી સામે વહેલી સવારના સુમાર શાંતિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં શહેરના ગામડી સ્થિત નવાપુરાની એક કિશોરીનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. ૧૫ વર્ષની આ કિશોરી સવારના સમયે ઘરેથી આણંદ ખાતેની શાળામાં જવા નીકળી હતી. ત્યારે રેલ્વે ગોદી સામે રેલ્વે ટ્રેક ઓળંગતી સમયે ટ્રેનની અડફેટમાં આવી ગઈ હતી. તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે રેલ્વે ગોદી વિસ્તાર સહિત ગામડીમાં ભારે ચકચાર સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. તદઉપરાંત આ વિદ્યાર્થી જે શાળામાં ભણે છે તે શાળાના વિદ્યાર્થી આલમમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
આણંદ શહેર પાસેના ગામડી સ્થિત નવાપુરા ખાતે આવેલ અ‘પતા સોસાયટીમાં રહેતા જગતનારાયણભાઈ રાજપુતની ૧૫ વર્ષની દિકરી નીકીતા કે જે આણંદની શાળામાં અભ્યાસ કરે છે. નિત્યક્રમ મુજબ આજે વહેલી સવારના સુમારે નીકીતા ઘરેથી શાળામાં જવા નીકળી હતી. સવારના લગભગ ૭-૫૦ કલાક પહેલા તેણીનું આણંદ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ગોદી સામે દક્ષિણ કિમી ૪૩૦૨૬ અને ૪૩૦૨૬-એ વચ્ચે ડાઉન રેલ્વે ટ્રેક પર પાટા ઓળંગી રહી હતી. આ સમયે વડોદરાથી ગાંધીનગર તરફ જતી શાંતિ એક્સપ્રેસ ટ્રેન નં. ૧૯૩૧૦ ની અડફેટમાં આવી ગઈ હતી. ટ્રેનની અડફેટમાં આવી જવાથી નીકીતા રાજપુતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ આણંદ રેલ્વે પોલીસને થતાં જ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ કરુણ બનાવ અંગે મૃતક નીકીતાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો હતો. બાદમાં નીકીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદ ખાતેની નગરપાલિકા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકના પરિવારજનો પાલિકા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીનીભર્યો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
આ બનાવ અંગે આણંદ રેલ્વે પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.