આણંદ : આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ આજે ભાજપમાં જોડાયા છે. કેતન બારોટના દાવા મુજબ, ૩૫૦થી વધુ કાર્યકરો સાથે તે ભાજપમાં જોડાશે. શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતા નારાજ થયેલાં કેતન બારોટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાનું જાણવા મળેલ છે. આણંદ કોંગ્રેસમાં છેલ્લાં ઘણાં વખતી વિવાદ વકર્યો છે, જેને પ્રદેશ પ્રમુખ પોતાના ઘર આંગણે જ અંકુશમાં લાવી શક્યાં નથી, જેથી આણંદ કોંગ્રેસનું રાજકીય ભંગાણ થઈ રહ્યું છે તેમ સૂત્રોએ જણાવેલ છે.
ભાજપ કાર્યાલયે કોંગ્રેસમાં ચાલી રહેલી જુથબંધી તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા થઈ રહેલી સતત અવગણનાને જવાબદાર હોવાનું કાઉન્સીલરે જણાવ્યું…!
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસના પ્રમુખના ગઢમાં ગાબડાં પડવા માંડ્યાં હતાં. ગત બીજી જુલાઈએ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મનોહરસિંહ પરમારે સ્વમાન ન જળવાતાં અને પોતાના પક્ષમાં જ ઉપેક્ષા કરવામાં આવતાં નારાજગીના કારણે રાજીનામું આપ્યું હતું. એ પછી અમિત ચાવડાએ આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ ઠાકોરને ગત ૧૧ ઓક્ટોબરે સસ્પેન્ડ કરી દીધાં હતા, તેમનાં પર આરોપ હતો કે, સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપત અને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નામે નાણાંની ગેરરીતિ કરી હોવાની ફરિયાદો પ્રદેશ પ્રમુખને મળી હતી, જેને લઈને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરીમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા મધ્ય ગુજરાત ઠાકોર સમાજના આગેવાન વિનુ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયાં હતાં. તેમની સાથે મનોહરસિંહ પરમાર સહિત આણંદ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ભાજપમાં જોડાયાં હતા.