લંડન,
ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લડ કપ ૨૦૧૯ અડધો પૂર્ણ થઈ ગયો છે. તમામ ખેલાડી આ વર્લ્ડ કપમાં પોતાના અભિપ્રાયો રજૂ કરી રહ્યા છે અને પોતાના તરફથી એક ચેમ્પિયનની ભવિષ્યવાણી કરી રહ્યા છે. હવે આ શ્રેણીમાં પાકિસ્તાનના એક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનું નામ સામેલ થયું છે. પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે ૨૦૧૯ના વર્લ્ડ કપની એક ચેમ્પિયન ટીમની વિશે ભવિષ્યવાણી કરી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે.
શોએબ અખ્તરે આફ્રિદીને પૂછ્યું કે, તેના મંતવ્ય અનુસાર, કઈ ટીમ વર્લ્ડ કપ જીતશે. આ સવાલનો જવાબ આપતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, હજુ સુધી મેં જેટલી પણ મેચો જોઈ છે, તે પ્રમાણે લાગે છે કે, ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાનો પ્રબળ દાવેદાર છે. પહેલા તેનું બોલિંગ કમજોર હતું.
આફ્રિદીએ વધુમાં કહ્યું હતું કે, બેટિંગ તો ટીમ ઈન્ડિયાની પહેલાથી જ સારી રહી છે. પરંતુ હાલના સમયમાં તેનું બોલિંગ પણ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. તમે તેના બોલર્સને જુઓ, તેઓ કઈ રીતે બોલિંગ કરી રહ્યા છે. કુલદીપ અને ચહલ યુવા બોલર્સ હોવા છતા ખૂબ જ સમજદારીપૂર્વક બોલિંગ કરી રહ્યા છે, જે કાબિલેતારીફ છે.