Charotar Sandesh
ઈન્ડિયા

ઉન્નાવ દુષ્કર્મ કેસ : તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર, પીડિતાને ૨૫ લાખ વળતરનો આદેશ…

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં સુપ્રિમ કોર્ટના તીખા તેવર…

ન્યુ દિલ્હી,
ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ રેપ કાંડ મામલે સુપ્રીમ કોર્ટે ખૂબ કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સાથે જોડાયેલા તમામ પાંચ કેસ ઉત્તર પ્રદેશ બહાર દિલ્હીમાં ટ્રાન્સફર કર્યા છે. સાથે જ કોર્ટે આ મામલે દરરોજ સુનાવણી કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરેલા જજો આ પાંચેય કેસની સુનાવણી કરશે. ટ્રાયલ ૪૫ દિવસની અંદર પૂરી કરવી પડશે. કોર્ટે એવું પણ કહ્યું છે કે જો પરિવાર ઇચ્છે તો પીડિતાને વધુ સારી સારવાર માટે તેને એરલિફ્ટ કરીને દિલ્હી લાવી શકે છે. અહીં છૈૈંંસ્જીના ડોક્ટરો પીડિતાની સારવાર કરશે.
સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ સાથે જોડાયેલા ઘટના ક્રમ વિશે પણ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, દેશમાં અંતે થઈ શું રહ્યું છે? કશું પણ કાયદા પ્રમાણે નથી ચાલતું.
સીજેઆઈ રંજન ગોગાઈએ કહ્યું કે અમે પીડિતા માટે મદદ માટે વચગાળાની અપીલનો પણ સ્વીકાર કરીએ છીએ. ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપીએ છીએ કે વચગાળાની મદદ માટે રૂ. ૨૫ લાખની રકમ આપે. બાદમાં જરૂરિયાત પ્રમાણે આર્થિક મદદ માટે રાશિ નક્કી કરવામાં આવશે.
સીજેઆઈ રંજન ગોગોઇએ લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ડોક્ટરોને પૂછ્યું કે શું પીડિતાને છૈૈંંસ્જીમાં એરલિફ્ટ કરી શકાય તેમ છે? કોર્ટે કહ્યું કે જો પરિવાર ઇચ્છે તો પીડિતાને વધુ સારી સારવાર માટે દિલ્હી લાવી શકે છે. ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે લખનઉની હોસ્પિટલમાં સારવારની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ પીડિતાને દિલ્હી શિફ્ટ કરી શકાય તેમ છે. પીડિતા ઉપરાંત ડોક્ટરના કેસમાં પણ કોર્ટે આવો આદેશ કર્યો હતો. પીડિતાને દિલ્હીમાં એરલિફ્ટ કરવામાં આવશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે.
આ ઉપરાંત ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું પીડિતાના પરિવારને સુરક્ષાની જરૂર છે કે નહીં. આ અંગે વકીલે કોર્ટમાં જણાવ્યું કે પીડિતાને ચાર બહેનો છે, માતા છે અને એક કાકા છે જેના પત્નીનું અકસ્માતમાં મોત થઈ ગયું છે. આ તમામને સુરક્ષાની જરૂર છે. આ અંગે કોર્ટે કહ્યું કે પીડિતા, તેના વકીલ, માતા, ચારેય બહેન અને કાકાને તાત્કાલિક સુરક્ષા પુરી પાડવામાં આવે. સીઆરપીએફના જવાનો પીડિતા અને તેના પરિવારની સુરક્ષા કરશે.
સુપ્રીમ કોર્ટે તેની સાથે જ સીબીઆઈને પીડિતાના અકસ્માત કેસની તપાસ સાત દિવસમાં પૂરી કરવાનો આદેશ કર્યો છે. હકીકતમાં કોર્ટે સીબીઆઈને પૂછ્યું હતું કે અકસ્માત કેસની તપાસ માટે કેટલા દિવસનો સમય લાગશે? આ અંગે સોલિસિટર જનરલે એક મહિનાનો સમય માંગ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સાત દિવસની અંદર જ તપાસ પૂરી કરવાનું કહ્યું હતું.

Related posts

પાકિસ્તાનમાં જન્મેલી કાશીની બે દીકરીઓને ૨૪ વર્ષે મળી ભારતીય નાગરિકતા

Charotar Sandesh

ડિજિટલ ઇન્ડિયા માટે ગુગલ ભારતમાં ૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે…

Charotar Sandesh

ટ્રાન્સપોર્ટ વ્યવસાયને મંદીનો ભરડો : એક તૃત્યાંશ ટ્રકો પાસે કામ નથી

Charotar Sandesh