ગુજરાત પોલીસની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું…
૫૮ વર્ષે ગુજરાત પોલીસને સન્માન મળ્યું, સન્માન મેળવનારુ દેશનું સાતમું રાજ્ય બન્યું, ડિહાઇડ્રેશનના કારણે બે મહિલા કોન્સ્ટેબલ બેભાન…
ગાંધીનગર : ગુજરાતની બે દિવસના પ્રવાસે આવેલા ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એનાયત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પોલીસ કમિશ્નર શિવાનંદ ઝા સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ તથા આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યાં હતા.
રાષ્ટ્રની સેવામાં કોઈપણ ફોર્સ દ્વારા બહાદુરીભર્યા કૃત્યો અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી પુરી પાડતા રાષ્ટ્રપતિ નિશાનથી ગુજરાત પોલીસને સન્માનિત કરવામાં આવી છે. જે ગુજરાત પોલીસને એક આગવી ઓળખ આપશે. ઉપરાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે સેરેમોનિયલ પરેડમાં ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનું નિશાન એનાયત કર્યું છે. તે સિવાય વિશેષ ડિઝાઈન કરાયેલો પોલીસ ધ્વજ પણ એનાયત કરાવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે.
રાષ્ટ્રપતિ નિશાન (પ્રેસિડેન્ટ્સ કલર્સ)એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. ‘નિશાન’એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે.
રાષ્ટ્રપતિનું નિશાન એ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતુ પ્રતિક છે. જે રાષ્ટ્રની સેવામાં યોગદાનની સાક્ષી પુરી પાડે છે. ૧૫ ડિસેમ્બર ૨૦૧૯નાં રોજ ગુજરાત પોલીસ દળ રાષ્ટ્રપતિ નિશાનથી સન્માનિત થતું સાતમું રાજ્ય બનશે. આ સુચિમાં હાલ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજ્યનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ રાષ્ટ્રપતિના નિશાન માટેની દરખાસ્ત ભારત સરકારના ગૃહ વિભાગને મોકલવામાં આવી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતીમાં સી.આર.પી.એફ, સી.બી.આઈ, રો એન્ડ એનાલિસીસ વિંગ, ઈન્ટેલિજન્સ બ્યુરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે. તેમના દ્વારા આ પ્રસ્તાવનું મુલ્યાંકન કરીને વડાપ્રધાનની ઓફિસ તરફ રવાના કરાય છે. ૭ માર્ચ ૨૦૧૯નાં રોજ રાષ્ટ્રપતિના નિશાનના એવોર્ડ અંગે ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારા મળતા આ ચોક્કસ માનને પ્રેસિડેન્ટ કલર્સ તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિની મહોર સાથેનો ખાસ ધ્વસ એનાયત કરાશે. ગુજરાત પોલીસના ભવનો પર રાષ્ટ્રધ્વજની સાથે આ ખાસ ધ્વજ પણ ફરકતો નજરે ચડશે. ગુજરાત પોલીસને એનાયત થયેલ આ વિશેષ પ્રતિક ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને જવાનોના યુનિફોર્મની ડાબા હાથની સ્લીવમાં લાગશે. તે સિવાય રાષ્ટ્રગીતની જેમ ગુજરાત પોલીસને એક એન્થમની મંજુરી મળી છે. ગુજરાત પોલીસ માટે આ એન્થમ શંકર મહાદેવન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.જે પોલીસ માર્ચ દરમિયાન પોલીસોને જોશ પુરૂ પાડશે.
અત્રે ઉલ્લખનીય છે કે ૧ મે ૧૯૬૦ નાં રોજ ગુજરાત રાજ્યની રચના થઈ હતી. તેની સાથે જ તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલીનીકરણ કરીને ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી. હાલમાં શહેર અને જીલ્લા પોલીસ મળીને ૧,૦૬,૮૩૧ પોલીસ જવાનો અને અધિકારીઓ ધરાવતું ગુજરાત પોલીસ દળ આધુનિક પોલીસ દળ તરીકે ઉભરી આવ્યું છે. કરાઈ ખાતે સેરેમોનિયલ પરેડમાં બે મહિલા કોન્સ્ટેબલ બેભાન થઇ હતી. બંને મહિલાને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટરોએ તાપ અને ડીહાઇડ્રેશનના કારણે મહિલા બેભાન થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું.