અમદાવાદ : અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસ અને બાઈક ચાલક વચ્ચે થયેલા અકસ્માત બાદ એનએસયુઆઈ દ્વારા ૨૨ નવેમ્બરે અમદાવાદમાં બીઆરટીએસ બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ, એનએસયુઆઈ દ્વારા રસ્તે દોડતી બીઆરટીએસ બસોને બંધ કરાવવામાં આવી રહી છે.
પાંજરાપોળ અકસ્માત મામલે એનએસયુઆઈ દ્વારા બીઆરટીએસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેથી યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એનએસયુઆઈ દ્વારા રસ્તે દોડતી અનેક બસોને રોકવામાં આવી છે. સાથે જ બસોને મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ કારણે ઓફિસ જવા નીકળેલા તથા પોતાનું કામ લઈને નીકળેલા અનેક મુસાફરો રસ્તે રઝળી પડ્યા હતા. સવારે લો ગાર્ડન પાસે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ એક બસની હવા પણ કાઢી નાંખી હતી. ત્યારે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં એનએસયુઆઈ દ્વારા વધુ દેખાવા થાય તેવી આશંકા છે.
છેલ્લા કેટલાક સમયથી બીઆરટીએસ બસના અકસ્માતનું પ્રમાણ વધતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. તો સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એએમસી બહાર ધરણા યોજવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યમાં દોડતી બીઆરટીએસ બસો બંધ કરાવવાની માંગણી કરી હતી.