રાજ્યમાં દિવસે ને દિવસેને ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વધતી જતી ગરમીના કારણે બીમારીના આંકડાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ બપોરના સમયે ગરમીની અસર ઓછી જોવા મળી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં તો ગરમીના કારણે કેટલીક જગ્યા પર રસ્તાના ડામર ઓગળવાની ઘટના સામે આવી છે. ડામર ઓગળવાના કારણે કેટલાક રાહદારીઓના ચંપલ પણ રસ્તા પર ચોંટી ગયેલા જોવા મળ્યા હતા. આજે રાજ્યના બે શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર હતું તો અન્ય 9 શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું હતું.
ગરમીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્બારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગરમીના કારણે રાહદારીઓને પીવાનું પાણી મળી રહે તે માટે રાજકોટમાં 6 જગ્યા પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિની ગરમીના કારણે તબિયત ખરાબ થાય તો તેને તત્કાલ સારવાર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરામાં ગરમીના કારણે વધતા બીમારીના કેસોને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના તમામ હેલ્થ સેન્ટરો બપોરના સમયે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ડીહાઈડ્રેશનના દર્દીઓને તત્કાલ સારવાર આપી શકાય. ORSનો પુરતો સ્ટોક વડોદરાના 34 અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરે પત્રિકાનું વિતરણ કરીને ગરમીથી બચવા માટેના ઉપાય વિષે જાણકારી આપવામાં આવી રહી છે.
સુરતમાં પણ ગરમીને ધ્યાનમાં લઇને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ-અલગ જગ્યા પર ORSનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.