ન્યુ દિલ્હી : ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ થાઈલેન્ડમાં ચાલી રહેલી ૨૧મી એશિયન તિરંદાજી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી લીધું છે. તેમણે મહિલાઓની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં આ મેડલ જીત્યા છે. રસપ્રદ બાબત એ છે કે, દીપિકાએ ફાઈનલમાં ભારતીય તિરંદાજને હરાવી હતી. તેણે અંકિતા ભક્તને એકપક્ષીય ફાઈનલમાં ૬-૦થી હરાવી હતી. આ રીતે અંકિતાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
દીપિકા કુમારી અને અંકિતા ભક્તે સેમિફાઈનલમાં પહોંચીને દેશ માટે વ્યક્તિગત ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો. સેમિફાઈનલમાં દીપિકાએ વિયેટનામની એનગુએટ ડો થિએનને ૬-૨થી હરાવી હતી. અંકિતેએ ભુટાનની કર્માને ૬-૨થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
ટોપ સીડ દીપિકાએ મલેશિયાની નૂરઅફિસા અબ્દુલને ૭-૨, ઈરાનની જહરા નેમાતીને ૬-૪ અને સ્થાનિક તિરંદાજ નરીસારા ખુનહિરાનચાઈયોને ૬-૨થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. છઠ્ઠી ક્રમાંકિત અંકિતાએ હોંગકોંગની લામ શુક ચિંગ એડાને ૭-૧, વિયેટનામની એનગુએન થિ ફુયોંગને ૬-૦ અને કઝાકિસ્તાનની અનાસ્તાસિયા બાનોવાને ૬-૪થી હરાવી હતી.
ભારતીય તિરંદાજ સંઘ પર પ્રતિબંધના કારણે દીપિકા, અંકિતા અને લેશરામ બોમ્બાયલા દેવીની ટીમ તટસ્થ ધ્વજ હેઠળ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તિરંદાજીમાં ભારતનો આ બીજો ઓલિમ્પિક કોટા છે. આ અગાઉ તરૂણદીપ રાય, અતનુ દાસ અને પ્રણવ જાધવની પુરુષ રિકર્વ ટીમ પણ ઓલિમ્પિક કોટા મેળવી ચુક્યા છે.