ખેડા,
ઠાસરા તાલુકાના ચર્ચાસ્પદ એવા લવ જેહાદના કેસમાં નડિયાદ સેશન્સ કોર્ટે હત્યા અને અપહરણના ગુનામાં આરોપી યુવકને આજીવન કેદની સજા કરી છે. લવજેહાદના આ કેસમાં કોર્ટનો ઉદાહરણ રૂપ ચુકાદો આવ્યો છે. કાલસર ગામની સગીર યુવતી સાથે લઘુમતી કોમના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ યુવતીને યુવતીને કેનાલમાં ધક્કો મારી મોત નિપજાવવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ ઘટના ફેબ્રુઆરી ૨૦૧૬ના વર્ષમાં બની હતી.
ઠાસરા તાલુકાના કાલસર ગામની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીર એક દિવસે ઘરે પરત ન આવી હતી. તેના પરિવારના જ એક સદસ્યએ સગીરાને ગામના લઘુમતી કોમના યુવક નિશાર અહેમદ મુસ્તુફા મલેકને નહેરના કિનાર ઝપાઝપી કરતી જોઈ હતી. પરિવારે શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે, અહેમદે સગીરાને નહેરમાં ધક્કો માર્યો હતો. બાદમાં પોલીસે સગીરાનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના બાદ લોકોનું મોટુ ટોળુ ડાકોર પોલીસ મથકે આવી ચઢ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ૧૫ વર્ષની સગીર યુવતી સાથે આરોપી નિશાર અહેમદ મુસ્તુફા મિયા મલેકને પ્રેમ સંબંધ હતો. ઘટનાના દિવસે આરોપી સગીરાને ડાકોરના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાંથી પરત કાલસર ગામે આવતા સમયે યુવતીને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી હતી.
સગીરાની હત્યાના પગલે હિન્દુ સંગઠનો દ્વારા ગામમાં બંધ પાળવામાં આવ્યો હતો, તો બજાર પણ બંધ રાખવામાં આવ્યા હતા. જેને પગલે જિલ્લા પોલીસનો કાફલો તૈનાત થઈ ગયો હતો. આરોપીની ધરપકડ બાદ પરિવારે સગીરાનો મૃતદેહ સ્વીકાર્યો હતો. સગીરાના અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેને ન્યાય અપાવવા માંગણી કરી હતી.