મુંબઈ : ચર્ચાસ્પદ કાળિયાર શિકાર કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને શુક્રવારે જોધપુરની જિલ્લા તેમજ સેશન કોર્ટમાં રજૂ થવાનું હતું. પરંતુ કોર્ટમાં હાજર નહીં રહેતા આગામી સુનાવણીની તારીખ ૧૯ ડિસેમ્બરની નક્કી કરવામાં આવી છે. સલમાનના વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે તે ‘બિગ બોસ’ની શૂટિંગમાં વ્યસ્ત છે જેના કારણે કોર્ટમાં આવી શકવા માટે સક્ષમ નથી.
કાળિયારના શિકાર મામલે કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ કેસમાં સલમાન જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. કોર્ટે આ અગાઉ ૪ જુલાઈના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે જો તે કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેશે તો સલમાન ખાનના જામીન રદ્દ કરી દેવામાં આવશે.
તાજેતરમાં જ સલમાન ખાનને સોશિયલ મીડિયા પર મારી નાખવાની ધમકી મળી હતી. તેને આ ધમકી ૧૬ સપ્ટેમ્બરના રોજ એક પોસ્ટ દ્વારા ગેંગસ્ટર ગૈરી શૂટરે આપી હતી. જેનો સંબંધ લોરેન્સ બિશ્નોઈ સમાજ સાથે છે. સલમાને તેને ગુનેગાર ગણાવનાર નિચલી કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ પણ કોર્ટમાં રજૂ કરી છે અને હાલ જામીન પર છે.