આજે મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે…
૧૭ રાજ્યોની ૫૫ જેટલી વિધાનસભા બેઠકો અને લોકસભાની બે બેઠકોના પણ પરિણામ આવશે : એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ બંન્ને રાજ્યોમાં ભાજપ સરકાર બને તેવા એંધાણ,કોંગ્રેસ-એનસીપીની આશા જીવંત…
ન્યુ દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા માટેની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ આખરે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના જીવ પડીકે બંધાઇ ગયા છે જોકે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે તેવું તારણ એક્ઝિટ પોલ માંથી નીકળ્યું છે.
આજે દેશના કુલ ૧૭ રાજયોની ૫૫ જેટલી વિધાનસભા બેઠકો અને લોકસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણી માટે મતગણતરી પણ થવાની છે.
જોકે સૌથી વધુ ઇંતેજારી મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામ તરફ રહી છે કારણકે ત્યાં અત્યારે ભાજપની સરકારો છે અને આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ ભાજપ બંને રાજ્યમાં સત્તા જાળવી રાખશે તેવું એક્ઝિટ પોલના તારણો પરથી બહાર આવ્યું છે છતાં આવતીકાલે મત ગણતરી છે તેથી સૌમાં ઇંતેજારી વધી ગઈ છે અને ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણા ના ભાજપ ના તેમજ શિવસેનાના નેતાઓમાં ભારે ઇંતેજારી છે.
મહારાષ્ટ્રમાં ૬૦.૮૩ ટકા અને હરિયાણામાં ૬૮.૪૭ ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકો પર અને હરિયાણામાં વિધાનસભાની કુલ ૯૦ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
મહારાષ્ટ્રમાં કુલ ૮,૯૫,૬૨,૭૦૬ મતદારો હતા. હરિયાણામાં ૧,૮૨,૯૮,૭૧૪ મતદારો હતા. મહારાષ્ટ્રમાં કુલ ૯૬ હજાર ૬૬૧ કેન્દ્રો પર મતદાન થયું હતું. હરિયાણામાં ૧૯,૫૭૮ કેન્દ્રો પર મતદાન થયું હતું. ચૂંટણી બાદ આવેલા ઍક્ઝિટ પોલમાં હરિયાણામાં કટોકટીનો જંગ દેખાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે હરિયાણામાં કેટલાક ઍક્ઝિટ પોલે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી થશે એવું અનુમાન કર્યું છે.
૨૦૧૪માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૨૨, શિવસેનાએ ૬૩, કૉંગ્રેસે ૪૨ અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)એ ૪૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ૨૦૧૪માં થયેલી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૪૭, કૉંગ્રેસને ૧૫, ઇન્ડિયન નેશનલ લોકદળને ૧૯ બેઠકો મળી હતી.