ક્રાઈમ બ્રાન્ચે સરસ્વતી તાલુકાના અઘાર ગામે દારૂની ભઠ્ઠીની ૩ જગ્યા પર દરોડા પાડ્યા હતા. જેમાં ૧૧ હજાર લીટર દારૂનો કાચો માલ (વાંસ)નો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા પાડતા ભઠ્ઠી પર હાજર એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે એક નાસી છૂટ્યો હતો. જ્યારે ગેરકાયદેસર દારૂ બનાવનાર બે શખ્સ હાજર ન હતા. પોલીસ કુલ મળીને ૨૨ હજારના મુદ્દામાલનો નાશ કર્યો હતો.
પાટણ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા ત્યારે કિમ્બુવા જતી કેનાલના સાઈફનમાં દારૂની ભઠ્ઠી પોલીસ ઝડપી પાડી હતી. અહીંથી ૬૪૦૦ના કિંમતનો ૩૨૦૦ લીટર વાંસ મળતા તેનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને ચલાવનાર અઘાર માઢપાર્ટી, સરસ્વતી તાલુકાનો રહીશ ઠાકોર ફુલાજી કાનજી હાજર ન હતો.
સીમમાં ઝાડીઓમાં ભઠ્ઠીઓ પર પોલીસ રેડ કરીને અન્ય બે જગ્યા પરથી રૂ.૧૫૬૦૦ની કિંમતનો ૮૭૦૦ લીટર વાંસનો જથ્થો નાશ કર્યો હતો. પોલીસના દરોડા સમયે અઘારના ઠાકોર ભાથીજી નારણજી સ્થળ પર હાજર ન હતો. જ્યારે બીજી જગ્યાએ અઘારનો જ ઠાકોર વનરાજજી મેતુજી પકડાયો હતો અને ઠાકોર તેજમલજી ઉર્ફ ભયલુ નાથાજી નાસી છૂટ્યો હતો. તાલુકા પોલીસે ચારેય સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધ્યો હતો.