નબી અને નજીબુલ્લાહે ૪૦ બોલમાં બનાવ્યા ૧૦૭ રન…
મુંબઇ,
ક્રિકેટમાં સતત ૬ બોલમાં ૬ સિક્સર ફટકારવાની સિદ્ધિ તો ઘણી વખત જોવા મળી છે પણ બાંગ્લાદેશમાં ત્રણ દેશોની ટી-૨૦ શ્રેણી દરમિયાન શનિવારે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને નજીબુલ્લાહ જાદરાને એક ખાસ સિદ્ધિ મેળવી છે. આ બંનેએ ઝિમ્બાબ્વે સામે ટી-૨૦ મુકાબલામાં ૭ બોલમાં ૭ સિક્સર ફટકારી હતી. નબીએ તેંદઈ ચટારાના બોલ પર ૪ બોલમાં ૪ સિક્સર ફટકારી હતી. આ પછી નજીબુલ્લાહે નેવિલ માદજિવાના બોલ પર સતત ૩ સિક્સર ફટકારી હતી. આ સિલસિલો મોદવિજાના વાઇડ બોલ પર અટક્યો હતો. આ પછીના બોલ પર નજીબુલ્લાહે ૪ રન ફટકાર્યા હતા. નબી અને જાદરાને મળીને ૮ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. ક્રિકેટમાં સતત ૭ બોલમાં ૭ સિક્સર ફટકારવાની સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે.
નબીએ ૧૮ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા. જ્યારે નજીબુલ્લાહે ૩૦ બોલમાં ૫ ફોર અને ૬ સિક્સરની મદદથી અણનમ ૬૯ રન બનાવ્યા હતા. બંને પિચ પર આવ્યા ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર ૧૩.૨ ઓવરમાં ૪ વિકેટે ૯૦ રન હતો. આ પછી બંનેએ આગામી ૪૦ બોલમાં ૧૦૭ રન બનાવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં પાંચમી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે. રેકોર્ડ પાકિસ્તાનના શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક (૧૧૯ રન)ના નામે છે.