ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની ટેસ્ટ ટીમમાં કોહલી કેપ્ટન…
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દશકની બેસ્ટ વન ડે ટીમ અને બેસ્ટ ટેસ્ટ ટીમનું એલાન કર્યું છે. આ બંને ટીમોમાં ભારતનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને હાલનાં કેપ્ટન વિરાટ કોહલીને મોટું સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડની તરફથી જાહેર કરવામાં આવેલી વન ડે ટીમમાં ધોનીની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે, તો ટેસ્ટ ક્રિકેટની ટીમ માટે વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ધોનીની વન ડે ટીમનાં કેપ્ટન બનાવવાનું કારણ જણાવતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, દશકના અંતમાં એમએસ ધોનીનું બેટિંગથી પ્રદર્શન નબળું રહ્યું પણ તે ભારતીય ટીમના ગોલ્ડન સમયનો ગજબનો તાકતવર ખેલાડી હતો. ધોનીએ વર્ષ ૨૦૧૧માં ઘરેલુ ધરતી પર ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડ્યો અને તે ભારતનો કમાલનો મેચ ફિનિશર પણ બન્યો હતો. ધોનીની સરેરાશ ૫૦થી પણ વધારે છે અને તે ૪૯ ઈનિંગમાં અણનમ રહ્યો છે. આ ઉપરાંત વિકેટકીપર તરીકે પણ ધોનીએ ક્યારેય પણ ટીમ કે બોલર્સને નિરાશ કર્યા નથી.
તો ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી સિવાય અન્ય એકપણ ભારતીય ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી. જે મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, વિરાટ છેલ્લા ઘણા વર્ષોથી આ રમતની સૌથી સન્માનિત વ્યક્તિઓમાંથી એક છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની વન ડે ટીમ- રોહિત શર્મા, હાશિમ આમલા, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શાકિબ અલ હસન, જોસ બટલર, મિશેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, લસિથ મલિંગા અને રાશિદ ખાન.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની ટેસ્ટ ટીમ- એલિસ્ટર કૂક, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, સ્ટિવ સ્મિથ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, બેન સ્ટોક્સ, ડેલ સ્ટેઈન, સ્ટુઅર્ટ બ્રોડ, નાથન લાયન અને જેમ્સ એન્ડરસન.