હરાજી સમયે અહીં જાણે કે કાગડા ઉડી રહ્યા હોય તેવાં દ્દશ્યો સર્જાયા, કારણ હતું ડુંગળીનો ભાવ વધારો…
અમદાવાદ : ડુંગળીને વીણી વીણીને સારી ડુંગળી અને ખરાબ ડુંગળીને અલગ કરતાં કારીગરો આજે અમદાવાદના ખેતી બજાર સમિતીમાં જોવા મળ્યા. આ એ કારીગરો હતો જેઓ આગામી સમયમાં વેપારીઓને આ ડુંગળી માર્કેટમાં વેચવા આપશે. અમદાવાદના વાસણા ખાતે આવેલાં એપીએમસીમાં બુધવારના દિવસે આમ તો ૧૦૦થી ૧૫૦ ટ્રક એક હરોળમાં જોવા મળતી હોય છે. પરંતુ આજે સવારે અહી ન તો ટ્રકોની લાઈન લાગેલી જોવા મળી, કે ન તો વેપારીઓની ભીડ.
હરાજી સમયે અહીં જાણે કે કાગડા ઉડી રહ્યા હોય તેવાં દ્દશ્યો સર્જાયા. કારણ હતું ડુંગળીનો ભાવ વધારો. હાલ ડુંગળીનો હોલસેલ ભાવ ૩૫થી ૪૦ રુપિયા છે છૂટક ભાવ ભાવ ૮૦ રુપિયા છે. ગત વર્ષે આ સમયે હોલસેલ ભાવ ૨૫ થી ૩૦ રુપિયા જ્યારે છૂટક ભાવ ૪૦ થી ૫૦ રુપિયા હતો.
કમોસમી વરસાદના કારણે આવક ૩૦ ટકા સુધી ઘટી છે. આ અંગે એપીએમસી માર્કેટનાં સેક્રેટરી દિપક પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, નાસિકથી આવતી ડુંગળી વરસાદને કારણે પહોંચી શકી નથી. આજે નાસિકથી ૪૧ જ્યારે સૌરાષ્ટ્રની માત્ર ૧૦ જ ટ્રક આવી હતી. પરિણામે આજે માલની આવકમાં મંદી જોવા મળી.
માર્કેટમાં માલ આવે તો છે, પરંતુ પૈસા આપતા પણ કચરામાં નાંખી દેવાય તેવી ડુંગળી આવે છે. ગૃહિણીઓનું કહેવું છે કે, હવે તેઓ શાકના વઘારમાં ડુંગળી વગર ચલાવતી લે છે. જો કે આ સાથે તેઓ સામાન્ય વર્ગની ચિંતા કરીને સરકાર સામે અપીલ કરે છે કે હવે ભાવ ઘટે તો સારું, આ અંગે પાલડી વિસ્તારમાંથી શાકભાજી ખરીદતા સાધનાબેનનું કહેવું છે કે, ડુંગળીના વધેલા ભાવને કારણે તેમને ઓછી ડુંગળી ખરીદવી પડે છે.