સ્થાનિકોની રજુઆત છતા કોઈ કાર્યવાહી નહીં કરાઈ…
સુરત,
સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેથી દારૂબંધીને લઈને પોલીસ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. વાઈરલ થેલા વીડિયોમાં જાહેરમાં દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે.
સરથાણા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ થયેલો વીડિયો સરથાણાના ડાયમંડ નગરનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખુલ્લેઆમ જાહેરમાં લોકો દેશી દારૂ પી રહ્યા હોવાનું નજરે પડે છે. સરથાણા પોલીસ અને સુરત પીસીબીને વારંવાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતા કાર્યવાહી હાથ નહીં ધરાતા સ્થાનિકોએ જ આ વીડિયો બનાવી સોશયલ મીડિયામાં વાઈરલ કર્યો હોવાનું લાગી રહ્યું છે. વાઈરલ થયેલા વીડિયોને કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી વચ્ચે સરાજાહેર થઈ રહેલા દેશી દારૂના વેચાણથી અનેક સવાલો ઉભા થયાં છે. સરથાણા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની રાવ પણ અવાર નવાર ઉઠે છે. અગાઉ સુરતમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ પણ બની ચૂકી છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ શું પગલાં ઉઠાવે છે.