શ્રીહરિકોટા,
ચંદ્રયાન-૨ મંગળવાર રાત્રે ૨.૨૧ કલાકે ધરતીની કક્ષાથી બહાર ગયું હતું અને ચંદ્ર તરફ આગળ વધ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ટ્રાન્સ લૂનર ઈજેક્શનને સફળતાપૂર્વક પાર કરીને ચંદ્રયાન-૨માં વધુ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રક્રિયામાં સ્પેસક્રાફ્ટનું લિક્વિડ એન્જિન ૧,૨૦૩ સેકન્ડ માટે ફાયર કરવામાં આવ્યું હતું જેનાથી ૨૨ દિવસ સુધી પૃથ્વીની કક્ષામાં રહ્યા બાદ ચંદ્રયાન-૨ ચંદ્ર તરફ આગળ વધ્યું છે.
આ વિશે ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે, ‘ચંદ્રયાન-૨ ચંદ્રના માર્ગ તરફ છ દિવસ સુધી ચાલશે અને ૪.૧ લાખ કિલોમીટરનું અંતર કાપીને ૨૦ ઓગસ્ટના ચંદ્રની કક્ષામાં પહોંચશે.’ ચંદ્રથી પૃથ્વીનું અંતર ૩.૮૪ લાખ કિલોમીટરનું છે. ચંદ્રયાન-૨ને ચંદ્રના માર્ગ પર મોકલવા માટે ઈસરોએ પહેલા પૃથ્વીની આસપાસ તેને તબક્કાવાર રાખ્યું હતું જેનો અંતિમ તબક્કો ૬ ઓગસ્ટના પૂર્ણ કરવામાં આવ્યો હતો.
ચંદ્રની નજીક પહોંચતા જ ચંદ્રયાન-૨નું સિસ્ટમ ફરીથી ફાયર થશે જેનાથી યાનની ગતિ ધીમી થશે. જેને પગલે તે ચંદ્રની પ્રારંભિક કક્ષામાં રોકાઈ જશે. ત્યારબાદ ચંદ્રની સપાટીથી લગભગ ૧૦૦ કિમીની ઊંચાઈએ ચંદ્રયાન-૨ ચક્કર લગાવશે. સિવને જણાવ્યું કે પ્રોપલ્શન સિસ્ટમની મદદથી ચંદ્રયાન-૨ની કક્ષાને ઘટાડી શકાશે.
ત્યારબાદ લેન્ડર વિક્રમ ઓર્બિટરથી અલગ થશે અને ચંદ્રની કક્ષામાં પ્રવેશ થશે. લેન્ડર ૬ સપ્ટેમ્બરના ૩૦ કિમીના અંતરે પહોંચ્યા બાદ જ ચંદ્રની સપાટી પર ઉતરવાની પ્રક્રિયા શરૂ થશે.