રાત્રિએ ઠંડી અને દિવસે ગરમીથી વાયરલના વધતા કેસ…
આણંદ : આણંદ સહિત જિલ્લામાં ધીમા પગલે ફુલ ગુલાબી ઠંડીની એન્ટ્રી જોવા મળી રહી છે. રાત્રે ઠંડી અને દિવસે ગરમીનુ વાતાવરણ જોવા મળે છે. બેવડી ઋતુને કારણે વિવિધ બીમારીઓનો વાવર વધી રહ્યાનું જોવા મળે છે. જો કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી ધ્રુજાવશે તેવુ અનુમાન થઈ રહ્યું છે. હાલમાં ઠંડી જામી ન હોવાથી ગરમ વસ્ત્રોની ઘરાકી પણ ઠંડી છે.
આ વર્ષ પ્રારંભમાં વરસાદના છુટા છવાયા ઝાપટાં બાદમાં ધમાકેદાર એન્ટ્રી ખેડા જિલ્લામાં જોવા મળી હતી. હવે શિયાળાના પગરણ છતાંયે હજી બરાબર ઠંડી જામી નથી. રાત્રે વાતાવરણમાં ઠંડક થઈ જાય છે અને દિવસે ગરમીની બેવડી ઋતુમાં પ્રજા વિવિધ બીમારીમાં સપડાઈ રહી છે. ખેડા જિલ્લામાં હાલમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ રાત્રિ સમયે થઇ રહ્યો છે. પરંતુ દિવસે ગરમી પડતી હોઈ પંખા, એ.સી. ચાલુ રાખવા પડે છે. બીજી બાજુ ગરમ વસ્ત્રોના બજારમાં પણ ઠંડક જોવા મળે છે. ઠંડીનો ચમકારો વધે તો જ ગરમ વસ્ત્રોના બજારમાં તેજી આવે. આવનાર સમયમાં ચમકારો વધશે તો વેપારીઓને લાભ થશે. ખેડૂતો પણ શિયાળુ પાક માટે ઠંડીની શરૂઆત સારી થાય એની રાહ જોઇ રહ્યા છે.