ન્યુ દિલ્હી : રિઝર્વ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષમાં ૨૦૦૦ની એક પણ ચલણી નોટ છાપી નથી. એક અંગ્રેજી અખબાર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં ઉપરોક્ત ઘટસ્ફોટ થયો છે.
૨૦૧૬માં નોટબંધી લાગુ કરાઈ ત્યારે ૨૦૦૦ની ચલણી નોટ રજૂ કરાઈ હતી. કાળા નાણા પર લગામ કસવા માટે ૨૦૦૦ની નોટ ચલણમાં લાવવાના સરકારના નિર્ણયની ટીકા થઈ હતી. જાણકારોનુ કહેવુ છે કે, ૨૦૦૦ની ચલણી નોટથી ઉલટાનુ કાળુ નાણુ ભેગુ કરનારાઓને આસાની થશે.
જોકે તે વખતે સરકારે આ વાત કાને ધરી નહોતી પણ હવે એવુ લાગે છે કે, ધીરે ધીરે સરકાર ૨૦૦૦ની નોટો છાપવાનુ જ બંધ કરી રહી છે. આરટીઆઈમાં અપાયેલી જાણકારી પ્રમાણે ૨૦૧૬-૧૭માં ૨૦૦૦ની ૩૫૪ કરોડ નોટો છપાઈ હતી. ૨૦૧૭-૧૮માં માત્ર ૧૧.૧૫ કરોડ જ્યારે ૨૦૧૮-૧૯માં માત્ર ૪.૬૬ કરોડ ૨૦૦૦ની નોટો છપાઈ છે. આ વર્ષે તો હજી સુધી એક પણ નોટ પ્રિન્ટ કરવામાં આવી નથી.
૨૦૦૦ની નોટો ચલણમાં પણ ઓછી જોવા મળી રહી છે. ૧૮-૧૯માં ચલણમાં રહેલી ૨૦૦૦ની નોટોમાં ૭.૨ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. ગયા નાણાકીય વર્ષમાં ૨૦૦૦ની નોટોની સંખ્યા ૩૩૬ કરોડથી ઘટીને ૩૨૯ કરોડ રહી ગઈ હતી. જ્યારે ૫૦૦ની નોટોની સંખ્યા ૨૦૧૭-૧૮ના વર્ષની સરખામણીએ ૧૫૪૬ કરોડથી વધીને ૨૧૫૧ કરોડ થઈ હતી.