મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમના પર લાગેલા યૌનશોષણના આરોપોને ફગાવી દીધા છે. તેઓએ કહ્યું, હું આ આરોપો અંગે કોઇ પ્રકારનો જવાબ આપવા માંગતો નથી. સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે દેશનું ન્યાયતંત્ર ખતરામાં છે. આવતા સપ્તાહે અનેક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી થવાની છે તેથી જાણી જોઇને આવા વાહિયાત આરોપો મારા પર લગાવામાં આવ્યા છે.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાને નિર્દોષ ગણાવતાં કહ્યું કે ફરિયાદ કરનારી મહિલાનું અપરાધિક બેકગ્રાઉન્ડ રહ્યું છે. તેઓએ કહ્યું કે મહિલાની વિરુદ્ધ બે એફઆઈઆર નોંધાઈ છે અને કોર્ટ પ્રશાસને મહિલાની સત્યતાને લઈને દિલ્હી પોલીસની પાસે ફરિયાદ પણ મોકલી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના પદાધિકારીઓ સામે કહ્યું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ સંજીવ સુધાકર કલગાંવકરે કહ્યું કે, મહિલાના આરોપ નિરાધાર છે. ત્યારપછી સવારે 10.30 વાગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુનાવણી શરૂ કરી હતી.